IND vs HK: સૂર્યકુમાર યાદવ છવાયો, હોંગકોંગને હરાવી ભારતની સુપર-4માં એન્ટ્રી
Asia Cup 2022: એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતે હોંગકોંગને હરાવી સુપર 4માં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી.
દુબઈઃ ભારતે એશિયા કપ-2022માં પોતાના બીજા મુકાબલામાં હોંગકોંગને 40 રનથી પરાજય આપી સુપર-4માં પ્રવેશ કરી લીધો છે. અફઘાનિસ્તાન બાદ ભારત સુપર-4માં પહોંચનારી બીજી ટીમ બની છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની અણનમ અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હોંગકોંગની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 152 રન બનાવી શકી હતી.
હોંગકોંગની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 12 રનના સ્કોર પર યાસિમ મુર્તઝાના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. મુર્તઝા 9 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન નિઝાકત ખાન 10 રન બનાવી રનઆઉટ થયો હતો.
હોંગકોંગ તરફથી બાબર હયાતે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. બાબરે 35 બોલમાં 3 ફોર અને બે સિક્સ ફટકારી હતી. તે જાડેજાનો શિકાર બન્યો હતો. કિંચિત શાહ 30 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં કેચઆઉટ થયો હતો. ઐઝાઝ ખાન (14) ને આવેશ ખાને બોલ્ડ કર્યો હતો. ઝીશાન અલી 26 અને સ્કોટ મોકેચીને 16 રન બનાવી અણનમ રહ્યા હતા.
રોહિત અને રાહુલની ધીમી શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી. શરૂઆતમાં રોહિત આક્રમક જોવા મળ્યો પરંતુ કેએલ રાહુલ લયમાં જોવા મળ્યો નહીં. ભારતને 38 રનના સ્કોર પર રોહિતના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા 13 બોલમાં 21 રન બનાવી આયુષ શુક્લાનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 1 વિકેટે 44 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ સૂર્યકુમારની આ ઇનિંગ જોઈ દંગ રહી ગઈ દુનિયા! શાનદાર બેટિંગથી બોલરોને ધોઈ નાખ્યા
વિરાટ કોહલીની 194 દિવસ બાદ અડધી સદી
રોહિત શર્માની વિકેટ બાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો હતો. વિરાટ અને રાહુલે 13મી ઓવરમાં ભારતનો સ્કોર 94 રન પર પહોંચાડ્યો હતો. કેએલ રાહુલ 39 બોલમાં 2 સિક્સ સાથે 36 રન બનાવી આઉટ થયો હતો. તો વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખતા 44 બોલમાં 3 છગ્ગા અને 1 બાઉન્ડ્રી સાથે અણનમ 59 રન બનાવ્યા હતા.
સૂર્યકુમારની વિસ્ફોટક ઈનિંગ
13 ઓવરમાં ભારતનો સ્કોર માત્ર 94 રન હતો, ત્યારે સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો હતો. અંતિમ સાત ઓવરમાં સૂર્યકુમાર અને કોહલીએ 98 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાદવે અંતિમ ઓવરમાં ચાર સિક્સ સાથે 26 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર 26 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 68 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube