સેન્ચુરિયનમાં ભારતની સૌથી મોટી જીત, પ્રથમવાર આફ્રિકાને ઘરમાં 9 વિકેટે હરાવ્યું
બીજી વનડેમાં આફ્રિકાને 9 વિકેટે હરાવીને ભારતીય ટીમ છ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થઈ ગઈ છે.
સેન્ચુરિયનઃ ભારતીય ટીમે વનડે શ્રેણીમાં પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. બીજી વનડેમાં આફ્રિકાને 9 વિકેટે હરાવી ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0ની લી઼ડ મેળવી લીધી છે. ભારતીય સ્પીનરો સામે રમવામાં આફ્રિકાના બેટ્સમેનો લાચાર જણાતા હતા. કુલદીપ યાદવ અને ચહલની શાનદાર બોલિંગને કારણે આફ્રકન ટીમ માત્ર 118 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
119 રનનો લક્ષ્ય પાર પાડવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ એક માત્ર રોહિતની વિકેટ ગુમાવી હતી. રોહિત 15 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કોહલી અને ધવને ભારતની જીત નક્કી કરી હતી. ધવને અણનમ 51 અને કોહલીએ અણનમ 46 રન ફટકાર્યા હતા.
આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને આફ્રિકાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. ભારતના સ્પીનરોએ મેચમાં પોતાનો દબદબો જાળરી રાખ્યો હતો. ચહલે 8.2 ઓવરમાં માત્ર 22 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપે 6 ઓવરમાં 20 રન આપીને આફ્રિકાને ત્રણ ઝટકા આપ્યા હતા. ભુવનેશ્વર અને બુમરાહને એક-એક સફળતા મળી હતી. આફ્રિકા તરફથી ડ્યુમિની અને જોન્ડોએ 25-25 રનનું યોગદાન આપ્યું હતું. અમલાએ 23 અને ડી કોકે 20 રન બનાવ્યા હતા.