IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયો
T20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
સેન્ટ લુસિયાઃ ભારતીય ટીમે ટી20 વિશ્વકપમાં સુપર-8માં સતત ત્રીજી જીત મેળવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને કારમો પરાજય આપી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સેમીફાઈનલમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે. ભારતે સેમીફાઈનલ પહેલા મોટી ટીમને હરાવી અન્ય ટીમોને સંદેશો પણ પહોંચાડી દીધો છે. ભારતની જીતનો હીરો કેપ્ટન રોહિત શર્મા રહ્યો હતો. જેણે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 205 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવી શક્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 87 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. મિચેલ માર્શ અક્ષર પટેલના શાનદાર કેચ દ્વારા 37 રન બનાવી આઉટ થયો હતો.
ટ્રેવિસ હેડની અડધી સદી
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડે ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ 43 બોલમાં 9 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 76 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. આ સિવાય ગ્લેન મેક્સવેલ 12 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો. માર્કસ સ્ટોયનિસે 2 રન બનાવ્યા હતા. મેથ્યૂ વેડ માત્ર 1 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો હતો. ટિમ ડેવિડ 15 રન બનાવી આઉટ થયો હતો. કમિન્સ 11 અને સ્ટાર્ક 4 રન બનાવી અણનમ રહ્યાં હતા.
ભારત તરફથી અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવે 4 ઓવરમાં 24 રન આપી બે વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહ અને અક્ષરને એક-એક વિકેટ લીધી હતી.
રોહિતની વિસ્ફોટક ઈનિંગ, ભારતે ફટકાર્યા 205 રન
ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. રોહિત શર્મા સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે ઓસ્ટ્રેલિયન બોલરોની ધોલાય કરી હતી. રોહિત શર્માએ 41 બોલમાં 92 રન બનાવ્યા, આ દરમિયાન 7 ચોગ્ગા અને 8 સિક્સ ફટકારી હતી. ભારતે એક સમયે 11 ઓવરમાં 127 રન બનાવી લીધા હતા, પરંતુ 12મી ઓવરમાં રોહિતના આઉટ થયા બાદ રન ગતિ પર બ્રેક લાગી હતી. અંતમાં હાર્દિક પંડ્યાની 17 બોલમાં 27 રનની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 200 રનનો આંકડો પાર કરી શકી હતી.
વિરાટ કોહલી શરૂઆતથી મુશ્કેલમાં જોવા મળ્યો અને અંતમાં મોટો શોટ રમતા શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ રોહિતે આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિતે સ્ટાર્કની એક ઓવરમાં 4 સિક્સ સાથે કુલ 29 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિતે માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ટી20 વિશ્વકપના ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટર બની ગયો છે. રોહિત અને રિષભ પંત વચ્ચે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી થઈ હતી. રિષભ પંત 15 રન બનાવી આઉટ થયો હતો.
12મી ઓવરમાં રોહિત શર્મા 41 બોલમાં 92 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે પણ 16 બોલમાં 3 ચોગ્ગા અને બે સિક્સની મદદથી આક્રમક 31 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 22 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. તો અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 27 રન બનાવી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો મિચેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોયનિસે બે-બે વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે 4 ઓવરમાં 45 રન આપી દીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી એક વિકેટ લીધી હતી.