Asian games: એશિયાડમાં 10મા દિવસે ભારતે જીત્યા 9 મેડલ, પૂરી કરી ફિફ્ટી
18મી એશિયન ગેમ્સના 10મા દિવસે આર્ચરી કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં ભારતે બે સિલ્વર મેડલ જીત્યા, જ્યારે શટલર સિંધુએ પણ સિલ્વર મેડલ જીત્યો છે.
જકાર્તાઃ ભારતના મનજીત સિંહે શાનદાર પ્રદર્શન કરતા 18મી એશિયન ગેમ્સના 10 દિવસે પુરૂષોની 800 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તો ભારતના જ જિનસન જોનસને આ સ્પર્ધાનો સિલ્વર મેડલ જીત્યો છે. આ ભારતનો દિવસનો પ્રથમ અને કુલ નવમો ગોલ્ડ મેડલ છે. મનજીતે 1 મિનિટ 46.15 સેકન્ડનો સમય લીધો તો જોનસને 1 મિનિટ 46.35 સેકન્ડનો સમય લીધો હતો.
1962 બાદ પ્રથમવાર થયું છે કે ભારતને એથલેકટિક્સની આ સ્પર્ધામાં ગોલ્ડ તથા સિલ્વર બંન્ને મેડલ મળ્યા છે. બ્રોન્ઝ મેડલ કતરના અબ્દુલ્લા અબુ બકરને મળ્યો હતો.
4*400 મિક્સમાં ભારતને સિલ્વર
ભારતને ચાર ગુણા 400 મીટર મિક્સ રિલે ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો છે. ભારતના મોહમ્મદ અનસ, પૂવાના રાજૂ માચેત્રા, હિમા દાસ અને રાજીવ અરોકિયાની ટીમે ત્રણ મિનિટ 15.71 સેકન્ડનો સમય લેતા સિલ્વર મેડલ કબજે કર્યો છે.
આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ બહરીનના નામે રહ્યો, જેણે 3 મિનિટ 11.89 સેકન્ડનો સમય લીધો, જ્યારે કઝાખસ્તાનની ટીમ ત્રણ મિનિટ 19.52 સેકન્ડનો સમય લઈને ત્રીજા સ્થાને રહી. આ સ્પર્ધાને પ્રથમવાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે.
18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના મેડલોની સંખ્યા 50 છે. 9 ગોલ્ડ, 19 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલોની સાથે ભારત મેડલ ટેલીમાં આઠમાં સ્થાને પહોંચી ગયું છે.
કુરાશમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
કુરાશમાં મહિલાઓની 52 કિલો ભારવર્ગમાં ભારતની પિંકી બલ્હારાને ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેને ઉજ્બેકિસ્તાનની ગુલનોર સુલયામાનોવાએ 10-0થી હરાવી. આ સાથે પિંકીને સિલ્વર મેડલ મળ્યો છે.
કુરાશના બીજા સેમીફાઇનલ મેચમાં ભારતની મલપ્રભા જાધવને 52 કિલોગ્રામ ભારવર્ગની સેમીફાઇનલમાં પરાજય મળ્યો. તેને ઉજ્બેકિસ્તાનની ખેલાડી ગુલનોર સુલયામાનોવાએ 10-0થી હરાવી હતી. આ સાથે મલપ્રભા બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.
હોકીઃ ભારતને લંકાને 20-0થી હરાવ્યું
વિશ્વની પાંચમાં નબંરની હોકી ટીમ ભારતે પોતાનું વિજય અભિયાન જાળવી રાખતા મંગળવારે અહીં 18મી એશિયન ગેમ્સના ગ્રુપ-એ મેચમાં શ્રીલંકાને 20-0થી હરાવી દીધું હતું. ભારત પહેલા જ સેમીફાઇનલમાં પહોંચી ગયું છે પરંતુ તેમછતાં આ મેચમાં પણ પોતાનું કમાલનું પ્રદર્શન જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમ માટે આકાશદીપ સિંહે 6 ગોલ, રૂપિંદર પાલ સિંહ, હરમનપ્રીત અને મનદીપ સિંહે 3-3 ગોલ કર્યા હતા. આ સિવાય યૂપીના લલિત ઉપાધ્યાયે 2 જ્યારે દિલપ્રીત અને વિવેકે 1-1 ગોલ કર્યો હતો.
પુરૂષ આર્ચરીમાં ભારતીય ટીમને સિલ્વર
ભારતીય પુરૂષ આર્ચરી ટીમને કમ્પાઉન્ડ સ્પર્ધાનો સિલ્વર મેડલ મળ્યો છે. ભારતીય પુરૂષ ટીમને ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે શૂટઓફમાં હાર મળી હતી. 2014માં ઇંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કમ્પાઉન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત અને દક્ષિણ કોરિયાનો સ્કોર ચાર સેટો બાદ 229-229થી બરાબર હતો. શૂટઓફમાં પણ ભારતે દક્ષિણ કોરિયાને શાનદાર ટક્કર આપી, પરંતુ વિરોધી ટીમના તીર સેન્ટર સર્કલમાં વધુ હતા અને આ કારણે દક્ષિણ કોરિયાએ ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો હતો.
ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ આર્ચરી ટીમને સિલ્વર
સ્કાન કિરાર, મધુમિતા કુમારી અને જ્યોતિ સુરેખા વેન્નમની તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધાના ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ભારતીય ટીમને ટાઇટલ મુકાબલામાં દક્ષિણ કોરિયા સામે હાર મળી હતી. પરંતુ આ સ્પર્ધામાં ભારતીય મહિલાઓની ટીમને સિલ્વર મેડલ મળ્યો છે. દક્ષિણ કોરિયાએ ભારતને ફાઇનલ મેચમાં 231-228થી પરાજય આપીને ગોલ્ડ જીત્યો હતો.
બેડમિન્ટમાં સિંધુનો ઈતિહાસ
આખરે 18મી એશિયન ગેમ્સમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ હારીને પણ ઈતિહાસ રચી દીધો છે. તે મહિલા સિંગલ્સના ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 ચીની તાઇપેની તાઈ જુ યિંગનો પડકાર ધ્વસ્ત ન કરી શકી. સિંધુ એશિયન ગેમ્સમાં બેડમિન્ટના 56 વર્ષના ઈતિહાસમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. એશિયન ગેમ્સમાં 1962માં બેડમિન્ટનને સામેલ કરવામાં આવ્યું છે.