લોર્ડ્સ ટેસ્ટમાં બેટ્સમોનો બાદ બોલરોનું પણ સરેન્ડર, ઈંગ્લેન્ડને 250 રનની લીડ
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઇ રહ્યો છે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગ 35.2 ઓવરમાં 107 રન પર સમાપ્ત થઈ ગઈ. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે 6 વિકેટ ગુમાવીને 357 રન બનાવી લીધા છે.
લંડનઃ ક્રિસ વોક્સ (અણનમ 120) અને જોની બેયરસ્ટો (93) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે થયેલી 189 રનની ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડ અહીં લોર્ડ્સના મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ખરાબ શરૂઆતમાંથી બહાર નિકળતા ભારત વિરુદ્ધ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરોએ દિવસની રમત સમય પહેલા સમાપ્ત કરવાની જાહેરાત કરી. ઈંગ્લેન્ડે સ્ટમ્પ્સ સુધી 6 વિકેટના ભોગે 357 રન બનાવીને ભારત પર 250 રનની લીડ મેળવી લીધી છે. બીજા દિવસે યજમાને મહેમાન ભારતને 107માં ઓલઆઉટ કરી દીધું હતું.
ત્રીજા દિવસો પોતાની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડર બેટ્સમેન પ્રથમ સત્રમાં આઉટ થઈ ગયા. ભારતીય બોલરોએ પ્રથમ સત્રમાં 89 રનમાં ચાર વિકેટ ઝડપી લીધી. જ્યારે બીજા સત્રમાં ઈંગ્લેન્ડે એક વિકેટ ગુમાવી. પરંતુ તે સત્રમાં વોક્સ અને બેયરસ્ટોએ શાનદાર બેટિંગ કરી અને ટી સુધીમાં બંન્નેએ અર્ધસદી પૂરી કરી લીધી.
વોક્સની સદી
ત્રીજા દિવસે વોક્સે તેના કેરિયરની પ્રથમ સદી પૂરી કરી. વોક્સે મેચની 71મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી. બેયરસ્ટો સદી ચૂકી ગયો. તેને હાર્દિક પંડ્યાએ 93 રન પર આઉટ કર્યો. જ્યારે દિવસના અંતે વોક્સ 120 અને કરન 22 રન બનાવી મેદાનમાં હતા.
સૌથી મોટી ભાગીદારી
વોક્સ અને બેયરસ્ટો વચ્ચે થયેલી ભાગીદારી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટેસ્ટમાં છઠ્ઠી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ઈયાન બોથમ અને ટેલરે મુંબઈમાં 1980માં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ માટે છઠ્ઠી વિકેટ માટે 171 રન જોડ્યા હતા.
બોલર્સોનું સરેન્ડર
બીજા સત્રમાં શમીએ 131ના કુલ સ્કોરે બટલર (24)ને આુટ કર્યો અને ભારતને પાંચમી સફળતા અપાવી પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો બેયરસ્ટો અને વોક્સને રોકવામાં અસફળ રહ્યાં હતા.
પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો જ્યારે બીજા દિવસે પણ અડધા દિવસની રમત શક્ય બની. તે અડધા દિવસમાં જ ઈંગ્લેન્ડે એન્ડરસનની પાંચ વિકેટની મદદથી ભારતને ઓલઆઉટ કરી દીધું હતું.