પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો કમાલ, એક દિવસમાં ગોલ્ડ સહિત જીત્યા કુલ 4 મેડલ
Paris Paralympics 2024 Day 2: પેરિસ પેરાલિમ્પિક્સનો બીજો દિવસ ભારત માટે ખાસ રહ્યો હતો. ભારતે બીજા દિવસે એક ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ જીત્યા છે. આ સાથે મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખુલી ગયું છે.
પેરિસઃ પેરિસમાં ચાલી રહેલા પેરાલમ્પિક્સ ગેમ્સમાં ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે. બીજા જ દિવસે ભારતના ખાતામાં એક ગોલ્ડ મેડલ સાથે 4 મેડલ થઈ ચુક્યા છે. ત્યારે કોણ છે પેરાલમ્પિક્સના દમદાર ખેલાડીઓ જોઈએ આ રિપોર્ટમાં....
પેરિસ પેરાલમ્પિક્સમાં કમાલ
ભારતના ખાતામાં પહેલો ગોલ્ડ
અવનિ લેખરાનો ગોલ્ડન શોટ
પેરિસ ઓલમ્પિક્સ બાદ હવે પેરિસ પેરાલમ્પિક્સમાં ભારતના રમતવીરો કમાલ દેખાડી રહ્યા છે. પેરિસ પેરાલમ્પિક્સના બીજા જ દિવસે ભારતના ખાતામાં પહેલો ગોલ્ડ આવી ચૂક્યો છે. 22 વર્ષની ભારતની નિશાનેબાજ અવનિ લેખરાએ મહિલાઓની 10 મીટર એયર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડન શોટ મારતા ગોલ્ડ જીત્યો છે. અવનિએ 249.7 પોઈન્ડ મેળવીને પેરાલમ્પિક્સમાં નવું કિર્તીમાન સ્થાપિત કર્યું છે. તો આ પહેલાં પણ અવનિએ ટોક્યો પૈરાલમ્પિક્સમાં ગોલ્ડ મેળવ્યો હતો. એટલે કે હવે અવનિ પેરાલમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.
પેરિસ પેરાલમ્પિક્સમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ સાથે ભારતનું ખાતું ખુલ્યું છે. એક તરફ અવનિએ ગોલ્ડ મેડલ જીત્યો, તો આ જ સ્પર્ધામાં મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. પેરિસ પેરાલમ્પિક્સમાં ભારતના ખાતામાં બે મેડલ આવતા પ્રધાનમંત્રી મોદીએ પણ બંને મહિલા ખેલાડીઓના વખાણ કર્યા. જેમાં અવનિ માટે PM મોદીએ લખ્યું કે તમે ઈતિહાસ રચી દીધો છે, તમારૂં સમર્પણ ભારતને ગૌરવાન્વિત કરે છે. તો મોના અગ્રવાલને બ્રોન્ઝ જીતવાની શુભેચ્છા આપતા લખ્યું કે ભારતને મોના પર ગર્વ છે.
પેરિસ પેરાલમ્પિક્સમાં મહિલાઓ સાથે પુરુષો પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શૂટર મનીષ નવવાલે મેન્સ 10 મીટર એયર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો છે. મનીષ ટોક્યો પેરાલમ્પિક્સ ગેમ્સમાં ગોલ્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે. તો આ ઉપરાંત પ્રિતી પાલે પણ વુમન્સ 100 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. એટલે કે પેરિસ પેરાલમ્પિક્સના બીજા જ દિવસે ભારતના ખાતામાં એક ગોલ્ડ મેડલ સાથે કુલ 4 મેડલ થઈ ચુક્યા છે.