નવી દિલ્હીઃ ભારતીય શૂટરોએ પોતાના દબદબો જાળવી રાખતા ચીની તાઈપેના તાઓયુઆનમાં એશિયન એરગન ચેમ્પિયનશિપના અંતિમ દિવસે 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે સ્પર્ધામાં 16 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝની સાથે કુલ 25 મેડલ જીત્યા હતા. સ્પર્ધાના અંતિમ દિવસે યશવર્ધન અને શ્રેયા અગ્રવાલે 3-3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. યશે પુરૂષ જૂનિયર 10 મીટર એર રાઇફલમાં ટોંચનું સ્થાન હાસિલ કર્યું હતું. તેણે કેવલ પ્રજાપતિ અને એશ્વરી તોમરની સાથે મળીને ટીમ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશે 249.5 પોઈન્ટની સાથે ગોલ્ડ જીત્યો જ્યારે કેવલ (247.3) અને એશ્વરી (226.1)એ ક્રમશઃ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા યશ અને શ્રેયાની જોડીએ મિક્સ ડબલ્સ ટીમ રાઇફલ જૂનિયર સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. શ્રેયાએ 10 મીટર એર રાઇફલ મહિલા જૂનિયરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે મેહુલી ઘોષ અને કવિ ચક્રવર્તિની સાથે મળીને ટીમ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 


શ્રેયાએ 24 શોટના ફાઇનલમાં 252.5 પોઈન્ટ મેળવ્યા હતા. મેહુલીને 228.3 પોઈન્ટની સાથે વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ મળ્યો જ્યારે કવિ ચોથા સ્થાન પર રહી હતી. ભારતીય શૂટરોની ટીમ હવે યૂએઈના અલ ઇનમાં 5 એપ્રિલથી આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપ ચરણ-2માં ભાગ લેશે.