વેલિંગટનઃ  ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની સિરીઝના પ્રથમ મેચમાં બુધવારે ભારતીય ટીમને 80 રનથી પરાજય આપ્યો હતો. આ ટી20 ક્રિકેટમાં ભારતનો સૌથી મોટો રનના મામલે સૌથી મોટો પરાજય છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રોહિત માટે આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડના ઓપનર કોલિન મુનરો અને ટિમ સિફર્ટની આક્રમક ઈનિંગની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 219 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 19.2 ઓવરમાં 139 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાનું ન્યૂઝીલેન્ડમાં આ ત્રીજો ટી20 મેચ હતો. ટીમ ઈન્ડિયા અહીં એકપણ મેચ જીતી શકી નથી. 
 
સેઇફર્ટે ફટકાર્યા 84 રન
ન્યૂઝીલેન્ડ તરફતી સેઇફર્ટે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેણે 43 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તે સિવાય મુનરોએ 20 બોલમાં 34 રન, કેપ્ટન કેન વિલિયમસને 22 બોલમાં 34 રન, ટેલરે 14 બોલમાં 23  રન અને સ્કોટ કુગેલજિને 7 બોલમાં 20 રન ફટકાર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 51 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તો ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, પંડ્યા અને ચહલને એક એક વિકેટ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા ઈનિંગના 14માં બોલે આઉટ થઈ ગયો હતો. તે પાંચ બોલ રમીને એક રન બનાવી શક્યો હતો. 77 રન પર ભારતે છ વિકેટ ગુમાવી દીધી હતી. 


ભારત 139 રનમાં ઓલઆઉટ
220 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે ત્રીજી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. ટિમ સાઉદીને આ સફળતા મળી હતી. ત્યારબાદ શિખર ધવન અને વિજય શંકરે બીજી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 51 રન હતો ત્યારે ધવન (29)ને ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો. તેણે 18 બોલમાં 2 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. ઈનિંગની નવમી ઓવરમાં સેન્ટનરે ભારતને બે ઝટકા આપીને બેકફૂટ પર ધકેલી દીધું હતું. તેણે રિષભ પંત (4)ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ વિજય શંકર (27)ને ગ્રાન્ડહોમના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ઈશ સોઢીએ દિનેશ કાર્તિક (5)ને આઉટ કરીને ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. હાર્દિક પંડ્યા (4) પણ ઈશ સોઢીનો શિકાર બન્યો હતો. ભારતે 77 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. 


ન્યૂઝીલેન્ડની ઈનિંગનો રોમાંચ
કોલિન મુનરો અને સેઇફર્ટે ન્યૂઝીલેન્ડને આક્રમક શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં બંન્નેએ 66 રન ફટકારી દીધા હતા. ઈનિંગની નવમી ઓવરમાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. ક્રૃણાલ પંડ્યાએ કોલિન મુનરો (34)ને વિજય શંકરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તેણે 20 બોલમાં 2 ફોર અને બે સિક્સ ફટકારી હતી. સેઇફર્ટે 30 બોલમાં ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે ઈનિંગની 11મી ઓવરમાં 100 રન પૂરા કરી લીધા હતા. 


મુનરો આઉટ થયા બાદ કેન વિલિયમસન અને સેઇફર્ટે બીજી વિકેટ માટે 48 રન જોડ્યા હતા. ટીમનો કુલ સ્કોર 134 રન હતો ત્યારે સેઇફર્ટ (84)ને ખલીલ અહમદે બોલ્ડ કર્યો હતો. તેણે 43 બોલમાં 7 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી. 


ત્યારબાદ ડેરિલ મિશેલ (8)ને હાર્દિક પંડ્યાએ આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 164ના સ્કોર પર ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી હતી. યુજવેન્દ્ર ચહલે કીવી કેપ્ટન (34)ને આઉટ કર્યો હતો. કેને 22 બોલમાં 3 સિક્સ ફટકારી હતી. ત્યાર બાદ કીવીનો સ્કોર 189 રન હતો ત્યારે હાર્દિ પંડ્યાએ કોલિન ડિ ગ્રાન્ડહોમ (3)ને આઉટ કરીને પોતાની બીજી સફળતા મેળવી હતી. રોસ ટેલર (23)ને ભુવનેશ્વરે ખલીલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ટેલરે 14 બોલમાં બે સિક્સ ફટકારી હતી. અંતમાં કલ્ગિજને 7 બોલમાં અણનમ 20 રન ફટકારીને કીવીનો સ્કોર 219 સુધી પહોંચાડ્યો હતો. 


ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 51 રન આપીને બે સફળતા મેળવી હતી. તો ક્રૃણાલ પંડ્યાએ 37 રન આપીને 1, ચહલે 35 રન આપીને એક, તથા ખલીલ અહદમ અને ભુવનેશ્વર કુમાર પણ એક-એક સફળતા મળી હતી.  


ધોની, પંત અને કાર્તિકને મળી તક
ભારતીય ટીમે પ્રથમ ટી20 મેચમાં ત્રણેય વિકેટકીપરને અંતિમ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક અને રિષભ પંતને તક મળી છે. 


અંતિમ ઈલેવનમાં પંડ્યા બંધુ
ભારતીય ટીમમાં આજે બે ભાઈઓ એક સાથે ટી20 મેચ રમવા મેદાને ઉતરશે. વડોદરાના હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને પણ અંતિમ ઈલેવનમાં જગ્યા મળી છે. 


ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, ખલીલ અહમદ. 


ન્યૂઝીલેન્ડ ટીમઃ કોલિન મુનરો, ટિમ સેઇફર્ટ, કેન વિલિયમસન, રોસ ટેલર, ડેરિલ મિશેલ, કોલિન ડે ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, લોકી સ્કાટ કે, ટિમ સાઉદી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન.