ભારતીય ફુટબોલ ટીમને મળ્યા નવા કોચ, જાણો કોણ છે ઇગોર સ્ટિમાચ
51 વર્ષના સ્ટિમાચ ક્રોએશિયાની 1998 વિશ્વ કપ ટીમના સભ્ય હતા જે ત્રીજા સ્થાન પર રહી હતી. તેમને કોચિંગ, ફુટબોલ વિકાસ અને માળખું તૈયાર કરવાનો 18 વર્ષનો અનુભવ છે.
નવી દિલ્હીઃ ક્રોએશિયાના વિશ્વ કપ ખેલાડિ ઇગોર સ્ટિમાચને બે વર્ષ માટે ભારતીય ફુટબોલ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં એએફસી એશિયન કપ બાદ સ્ટીફન કોંસ્ટેટાઇનના રાજીનામા બાદ ભારતીય ટીમ કોચ વગર હતી. એઆઈએફએફની કાર્યકારી સમિતિએ આ નિમણૂંક કરી છે.
51 વર્ષના સ્ટિમાચ ક્રોએશિયાની 1998 વિશ્વ કપ ટીમના સભ્ય હતા જે ત્રીજા સ્થાન પર રહી હતી. તેમને કોચિંગ, ફુટબોલ વિકાસ અને માળખું તૈયાર કરવાનો 18 વર્ષનો અનુભવ છે. કોચ તરીકે તેમણે ક્રોએશિયાને 2014 ફીફા વિશ્વકપમાં ક્વોલિફાઇ કરાવ્યું હતું. તેમના કાર્યકાળમાં માટેઓ કોવાચિચ, એન્ટે રેબિચ, એલેન હેલિલોવિચ અને ઇવાન પેરિસિચ ક્રોએશિયન ટીમમાં હતા. તેમણે ડારિયો સરના, ડેનિયલ સુબાસિચ, ઇવાન સ્ટ્રિનિચ અને કોવિચિચ જેવા ખેલાડીઓને પણ તૈયાર કર્યાં હતા. તેઓ ક્રોએશિયા માટે 53 મેચ રમી ચુક્યા છે.
તે 1996 યૂરો ચેમ્પિયનશિપ રમનારી ક્રોએશિયન ટીમમાં હતા. આ સિવાય યૂગોસ્લાવિયાની અન્ડર-19 ટીમનો ભાગ હતા જેણે 1987માં ફીફા અન્ડર-20 વિશ્વકપ જીત્યો હતો. એઆઈએફએફના અધ્યક્ષ પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કરતા કહ્યું, ઇયોગ ટીમ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. હું તેમનું સ્વાગત કરુ છું. ભારતીય ફુટબોલ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે તેનો અનુભવ ટીમને નવી ઉંચાઇ સુધી લઈ જશે.
ટેકનિકલ સમિતિના પ્રમુખ શ્યામ થાપાએ કહ્યું, ટેકનિકલ સમિતિના તમામ સભ્યો અને એઆઈએફએફના ટેકનિકલ નિયામક ઇકાસ ડોરૂ સ્ટિમાચથી ઘણા પ્રભાવિત હતા. તે વિશ્વકપમાં રમી ચુક્યા છે અને કોચ તરીકે પણ ક્રોએશિયાને વિશ્વ કપ સુધી લઈ ગયા હતા. તેનાથી સારૂ કોણ હશે. ભારતીય ફુટબોલની પણ તેમને ઊંડી જાણકારી છે. ભારતીય ટીમ તેમના માર્ગદર્શનમાં થાઈલેન્ડમાં પાંચ જૂનથી કિંગ્સ કપ રમશે.