Ind Vs SL, Team Announcement: રોહિત શર્મા બન્યો કેપ્ટન, પુજારા-રહાણે બહાર, કોહલીને ટી20માં આરામ, પ્રિયાંક પંચાલની પસંદગી
ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી. શ્રીલંકા વિરુદ્ધ થનાર ટી20 સીરિઝ માટે વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારત-શ્રીલંકાની વચ્ચે થનાર ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. મોટી અને મહત્ત્વપૂર્ણ વાત એ છે કે રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે.
મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા દ્વારા સાંજે ચાર વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં ટીમની જાહેરાત કરવામાં આવી. શ્રીલંકા વિરુદ્ધ થનાર ટી20 સીરિઝ માટે વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમમાં સીનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ જણાવ્યું કે બન્ને ખેલાડીઓને આ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યા નથી, તેમણે ઘરેલૂ ક્રિકેટ રમવાની છૂટ આપવામાં આવી છે.
ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર નિર્ભર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર
ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ. કુલદીપ યાદવ, અવેશ ખાન
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરીઝ રમી રહી છે. ભારત ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે, જ્યારે ત્રીજી T20 મેચ 20 ફેબ્રુઆરીએ રમાવાની છે.
શ્રીલંકાનો ભારત પ્રવાસ
24 ફેબ્રુઆરી - 1લી T20, લખનઉ
26 ફેબ્રુઆરી - બીજી T20, ધર્મશાલા
27 ફેબ્રુઆરી - ત્રીજી T20, ધર્મશાલા
4-8 માર્ચ - પ્રથમ ટેસ્ટ, મોહાલી
માર્ચ 12-16 - બીજી ટેસ્ટ, બેંગલુરુ (ડે-નાઈટ)
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર ઋષભ પંતને શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ બાયો બબલ છોડીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 પહેલા પોતાના ઘરે ચાલ્યા ગયા છે, તેથી બંને સીધા ટેસ્ટ શ્રેણીમાં પાછા ફરશે.
વિરાટ કોહલી માટે ખાસ રહેશે ટેસ્ટ સિરીઝ
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ સીરીઝ ખાસ હશે, કારણ કે વિરાટ કોહલી એ પોતાના કરિયરમાં અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. આવી સ્થિતિમાં તે મોહાલીમાં રમાનાર આ શ્રેણીમાં પોતાની 100મી ટેસ્ટ રમશે. જ્યારે બેંગ્લોરમાં રમાનાર ટેસ્ટ મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે. ઘણા સમયથી સદીની રાહ જોઈ રહેલા વિરાટ કોહલી પાસે આ ઐતિહાસિક અવસરને વધુ સારો બનાવવાનો મોકો મળશે.