પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રન બનાવ્યા હતા. ભારત માટે નિતીશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 41 રન ફટકાર્યા હતા. તો ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે પોતાની પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 67 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા હજુ ભારતના સ્કોરથી 83 રન પાછળ છે. દિવસના અંતે મિચેલ સ્ટાર્ક અને એલેક્સ કેરી ક્રીઝ પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલરોએ કરાવી ભારતની વાપસી
ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 150 રન બનાવી શકી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. પરંતુ ભારતીય બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. 


બુમરાહે ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની અને સ્ટીવ સ્મિથને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને શરૂઆતી ઝટકા આપ્યા હતા. મેકસ્વીની 10 રન બનાવી LBW આઉટ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા 8 રન બનાવી કેચઆઉટ થયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર સ્ટીવ સ્મિથને બુમરાહે શૂન્ય રને આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી.


ટ્રેવિસ હેડ પણ સસ્તામાં આઉટ
આ મેચમાં પર્દાપણ કરનાર હર્ષિત રાણાએ ખતરનાક બેટર ટ્રેવિસ હેડ (11) ને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ સિરાજે લાબુશેન (2) અને મિચેલ માર્શ (6) ને આઉટ કર્યા હતા. નિચલા ક્રમમાં પણ બુમરાહે પેટ કમિન્સને પંતના હાથે કેચઆઉટ કરાવી ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો આપ્યો હતો. 


ભારતની ઈનિંગ
ટોસ જીતીને ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. પરંતુ આખી ટીમ 150 રન પર પેલેવિયન ભેગી થઈ ગઈ. અત્રે જણાવવાનું કે ભારતીય ટીમે ગત બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે જ હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ મહાસિરીઝમાં કુલ પાંચ મેચ રમાશે. આ મેચમાં નીતિશકુમાર રેડ્ડી, હર્ષિત રાણાનું ટેસ્ટ ડેબ્યુ થયું. મેચ શરૂ થતા જ ભારતને યશસ્વી જયસ્વાલ શૂન્ય રને આઉટ થઈ જતા ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ તો વિકેટ ટકવાનું નામ જ નહતી લેતી. જોશ હેઝલવુડે 29 રન આપીને 4 વિકેટ લીધી જ્યારે મિશેલ સ્ટાર્ક, પેટ કયુમિન્સ, માર્શે 2-2 વિકેટ લીધી. ભારત તરફથી સૌથી વધુ રન નીતિશકુમાર રેડ્ડીએ 59 બોલમાં 41 રન કર્યા. જ્યારે ઋષભ  પંતે 78 બોલમાં 37 રન કર્યા. જયસ્વાલ ઉપરાંત દેવદત્ત પડિક્કલ શૂન્ય રને આઉટ થયા. વિરાટ કોહલી 5 રન,  કે એલ રાહુલ 26 રન, વોશિંગ્ટન સુંદર 4 રન, હર્ષિત રાણા 7 રન, બુમરાહ 8 રન કરીને આઉટ થયા. આખી ટીમ 49.4 ઓવરમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.