BCCI એ કોહલીની કેપ્ટનશીપને કરી સલામ! 14 શાનદાર જીતને કરી યાદ, પહેલાં હકાલપટ્ટી અને પછી મલમપટ્ટી શું મામલો?
વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાના મેસેજમાં બીસીસીઆઈનો આભાર માન્યો. હવે બીસીસીઆઈએ કોહલીને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે.
નવી દિલ્લી: વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી શનિવારે જ રાજીનામું આપી દીધું હતું. તેણે પોતાના મેસેજમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો પણ આભાર માન્યો. તેના પછી બીસીસીઆઈએ પણ ટ્વીટ કરીને કોહલીનો આભાર માન્યો અને શુભકામનાઓ પણ આપી. હવે ફરી એકવાર બીસીસીઆઈએ કોહલીને લઈને વધુ એક ટ્વીટ કર્યું છે.
બીસીસીઆઈએ વીડિયો દ્વારા બતાવી ઐતિહાસિક જીત:
આ વખતે બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો છે. સાથે જ ભારતીય બોર્ડે પોસ્ટમાં લખ્યું કે ટીમ ઈન્ડિયાને સાહસ અને નીડરતાની સાથે ગાઈડ કરી. સાથે જ પોતાની કેપ્ટનશીપમાં અનેક ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ પણ જીતાડી છે. બીસીસીઆઈએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને મળેલી શાનદાર ટેસ્ટ સિરીઝને દર્શાવવામાં આવી છે. આ ઐતિહાસિક સિરીઝમાં 2018-19નો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ છે. ત્યારે ભારતીય ટીમે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં હાર આપી. તે ઉપરાંત બીસીસીઆઈએ પોતાના વીડિયોમાં સ્પેશિયલ 14 સિરીઝની જીતને વીડિયોમાં દર્શાવી છે.
વીડિયોમાં બતાવી આ 14 સિરીઝમાં મોટી જીત:
1. સપ્ટેમ્બર 2015માં શ્રીલંકાને 2-1થી હરાવ્યું
2. ડિસેમ્બર 2015માં સાઉથ આફ્રિકાને 3-0થી હરાવ્યું
3. ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યુ
4. ડિસેમ્બર 2016માં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું
5. ફેબ્રુઆરી 2017માં બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું
6. ઓગસ્ટ 2017માં શ્રીલંકાને 3-0થી હરાવ્યું
7. ડિસેમ્બર 2017માં શ્રીલંકાને 1-0થી હરાવ્યું
8. ઓક્ટોબર 2018માં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું
9. ઓક્ટોબર 2019માં સાઉથ આફ્રિકાને 3-0થી હરાવ્યું
10. નવેમ્બર 2019માં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું
11. જાન્યુઆરી 2019માં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું
12. ઓગસ્ટ 2021માં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું
13. માર્ચ 2021માં ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું
14. ડિસેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું
ધોની પછી વિરાટ કોહલીને કેપ્ટનશીપ મળી:
ધોનીએ 30 ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. તેના પછી તેના જ કહેવા પર વિરાટ કોહલીને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. તેના પછી જ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 68માંથી સૌથી વધારે 40 ટેસ્ટ જીતી. તેના પછી ધોનીનો નંબર આવે છે. જેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 60માંથી 27 ટેસ્ટ જીતી છે. હાલમાં જ સાઉથ આફ્રિકા પ્રવાસ પર વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં જ ભારતીય ટીમે ત્રણ ટેસ્ટની સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો. જોકે સિરીઝની બીજી ટેસ્ટમાં ઈજાના કારણે કોહલી રમી શક્યો ન હતો.