સાઉથેમ્પ્ટનઃ વિશ્વકપમાં શનિવારે (22 જૂન)એ બે મેચ રમાશે. તેમાં પ્રથમ મુકાબલો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જે બપોરે 3 કલાકે સાઉથેમ્પ્ટનના હેમ્પશાયર બાઉલ મેદાન પર રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ પાંચમી અને અફઘાનિસ્તાનની છઠ્ઠી મેચ હશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી, જ્યારે અફઘાનિસ્તાનને એકપણ વિજય મળ્યો નથી. અહીં અમે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે જણાવી રહ્યાં છીએ. શનિવારે બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે માનચેસ્ટરમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાનઃ સાઉથેમ્પ્ટનમાં શનિવારે વરસાદ થવાની સંભાવના નથી અને આકાશ ખુલ્લું રહેશે. દિવસમાં તડકો રહેવાની સંભાવના છે. હેમ્પશાયર બોલમાં અત્યાર સુધી આ ટૂર્નામેન્ટની બે મેચ રમાઇ છે અને બંન્નેમાં બીજી બેટિંગ કરનારી ટીમ જીતી છે. 


ભારતઃ શમીને મળી શકે છે તક
ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. પરંતુ ઓપનર શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને ભુવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત થવાથી ટીમ પર થોડી અસર જરૂર પડી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમમાં એક ફેરફાર જોવા મળી શકે છે. ઈજાગ્રસ્ત ભુવનેશ્વરના સ્થાને શમીને તક મળી શકે છે. બીજીતરફ પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ધવનના સ્થાને રમેલા વિજય શંકરને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી પરંતુ શુક્રવારે તેને ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. 


આ હોઈ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), હાર્દિક પંડ્યા, એમએસ ધોની, વિજય શંકર, કેદાર જાધવ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 


અફઘાનિસ્તાનઃ ટૂર્નામેન્ટમાં રહ્યું છે ખરાબ પ્રદર્શન 
વિશ્વકપ 2019મા અફઘાનિસ્તાન ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને તેણે અત્યાર સુધી પાંચ મેચ રમી છે અને તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ હરાવી ચુકી છે. ટૂર્નામેન્ટમાં વચ્ચે વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ શહજાદને કથિત રીતે ખરાબ ફિટનેસને કારણે સ્વદેશ પરત મોકલવામાં આવ્યો હતો. આ કારણે ટીમની બેટિંગ પણ નબળી પડી છે. તો ટીમે ખરાબ બોલિંગ અને ઢીલી ફીલ્ડિંગનું પણ પરિણામ ભોગવ્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. 


આ હોઈ શકે છે અફઘાનિસ્તાનની પ્લેઇંગ  XI
નૂર અલી જાદરાન, ગુલબદીન નાઇબ (કેપ્ટન), રહમત શાહ, હશમતઉલ્લા શાહિદી, નજીબુલ્લા જાદરાન, હઝરઉલ્લા ઝાઝઈ, અસગર અફગાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન અને આફતાબ આલમ.