અબુધાબીઃ બે ખરાબ હાર બાદ ભારતીય ટીમનું પોતાની યજમાનીમાં સંયુક્ત અરબ અમીરાતમાં રમાઈ રહેલ ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. હવે પોતાના ત્રીજા મુકાબલામાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થવાનો છે. ભારતે પ્રથમ બે મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમી છે. હવે તેણે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમવાનું છે. ટીમ ઈન્ડિયા અહીં એકમાત્ર મેચ રમશે. ત્યારબાદ તેણે આગામી બે મેચ નામીબિયા અને સ્કોટલેન્ડ સામે દુબઈમાં રમવાનું છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતી પોતાનો ગુમાવેલો આત્મવિશ્વાસ અને સન્માન પરત મેળવવાનો પ્રયાસ કરશે. જો ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને 50 રનથી વધુ કે લક્ષ્યનો પીછો કરતા 14 ઓવરની અંદર હરાવી દે તો તેની આશા જીવિત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત અને રાહુલ કરશે ઓપનિંગ
ભારતીય ટીમ પાછલી મેચમાં ઇશાન કિશન અને કેએલ રાહુલની ઓપનિંગ જોડી સાથે ઉતરી હતી, પરંતુ તે સફળ રહી નહીં. તેની ખુબ આલોચના પણ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ બોલ્ટથી રોહિત શર્માને બચાવવા માટે ત્રીજા ક્રમે ઉતાર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન પાસે એવો કોઈ ફાસ્ટ બોલર નથી જે રોહિતને પરેશાન કરી શકે. તેને જોતા ટીમ ઈન્ડિયા ફરી રોહિત રાહુલની જોડી સાથે ઉતરશે. 


અશ્વિન પર રહેશે નજર
વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં આર અશ્વિનને તક આપી નહીં. તેમ છતાં અશ્વિનને ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિનને પ્રથમ બે મેચમાં તક ન મળી પરંતુ હવે તેને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયા તેના સહારે પોતાનું સંયોજન શોધી શકે છે કારણ કે ભારતના બંને સ્પિનર વરૂણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજા પ્રથમ બે મેચમાં વિકેટ અપાવી શક્યા નહીં. પ્રથમ બે મેચમાં અશ્વિનને બહાર રાખતા વિરાટ પર સવાલ ઉઠ્યા હતા. 


અશ્વિનને ચાર વર્ષ બાદ સીમિત ઓવરોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો, પરંતુ બધાને ખ્યાલ છે કે વિરાટ કોહલી તેના સ્થાને યુજવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કરવા ઈચ્છતો હતો. પરંતુ વિરાટે આ વાતો ભૂલીને જીત પર ધ્યાન આપવું જોઈએ. અશ્વિન શરૂઆતી ઓવર કરીને અફઘાનિસ્તાનના ઓપનરોને પરેશાન કરી શકે છે. તો વિરાટ કોહલી પણ ટી20 વિશ્વકપ બાદ ટીમની આગેવાની છોડી દેશે. 


અફઘાનિસ્તાનની ટીમ પ્રહાર કરવા તૈયાર
ભારતે અત્યાર સુધી પાકિસ્તાન સામે 10 વિકેટ તો ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તો અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામીબિયાને પરાજય આપ્યો છે. એટલું જ નહીં અફઘાનિસ્તાને પાકિસ્તાનને પણ હારની નજીક પહોંચાડી દીધું હતું, પરંતુ આફિસ અલીએ એક ઓવરમાં ચાર સિક્સ ફટકારી પાકને જીત અપાવી દીધી હતી. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન અને મોહમ્મદ નબી જેવા ત્રણ સ્ટાર સ્પિનર છે. 


ટીમમાં કેટલાક ફેરફાર સંભવ
ભારતે પાછલી મેચમાં સૂર્યકુમાર યાદવના સ્થાને ઇશાન કિશનને તક આપી હતી. જો હવે સૂર્યકુમાર યાદવ ફિટ હશે તો કિશનને બહાર કરી દેવામાં આવશે. તો હાર્દિક પંડ્યાની જગ્યા પણ ખતરામાં છે, જે બે મેચમાં માત્ર 31 રન બનાવી શક્યો છે. આ સિવાય બોલિંગમાં વરૂણના સ્થાને અશ્વિનને તક મળી શકે છે. 


ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, વરૂણ ચક્રવર્તી, રાહુલ ચાહર.


અફઘાનિસ્તાનઃ રાશિદ ખાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, હઝરતુલ્લાહ ઝઝઈ, ઉસ્માન ગની, મોહમ્મદ નબી, નઝીબુલ્લાહ ઝાદરાન, હશ્મતુલ્લાહ શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર-રહમાન, કરીમ ઝનત, ગુલબદીન નાયબ, નવીન-ઉલ-હક, હામિદ હસન, ફરીદ અહમદ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube