India vs Australia: પ્રથમ ટી20માં આમને-સામને હશે ભારત અને ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમનું પલડું આ મેચમાં ભારે જોવા મળી રહ્યું છે.
વિશાખાપટ્ટનમઃ ભારતીય ક્રિકેટ ટીમ બે મેચોની ટી20 સિરીઝના પ્રથમ મેચમાં આજે અહીં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 જૂનથી શરૂ થતાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ પહેલા ભારતે મહેમાન ટીમ વિરુદ્ધ બે ટી20 અને પાંચ વનડે મેચ રમવાની છે.
ભારતે ગત મહિને વિરાટ કોહલીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ અને વનડે સિરીઝ જીતી હતી. કોચ રવિ શાસ્ત્રી હવે વિશ્વકપ પહેલા ટીમના કેટલાક સ્થાનોને નક્કી કરવા ઈચ્છશે. રિષભ પંત અને ઓલરાઉન્ડર વિજય શંકરની પાસે શાનદાર તક છે. પંતને જ્યાં વનડેમાં દિનેશ કાર્તિકના સ્થાને લેવામાં આવ્યો છે તો શંકરે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં શાનદાર બેટિંગ કરી હતી. કાર્તિકને માત્ર ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી ટીમમાં પરત ફર્યો છે. તમામની નજર લેગ સ્પિનર મયંક માર્કડેંય પર હશે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરી શકે છે. આ સિવાય ભારત ચહલ અને ક્રુણાલ પંડ્યાની સાથે પણ ઉતરી શકે છે. તો કોહલીનું ઓસ્ટ્રેલિયા સામે ફોર્મ શાનદાર છે. તેણે 13 ટી20 મેચોમાં 61ની એવરેજથી 488 રન બનાવ્યા છે.
બીજીતરફ ફિન્ચની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ મહિના પહેલા ભારત વિરુદ્ધ ટી20 સિરીઝ બાદ કોઈ ટી20 મેચ રમી નથી. ડી આર્શી શોર્ટ બીબીએલમાં પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ રહ્યો હતો. તો કેન રિચર્ડસન લીગમાં સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર રહ્યો હતો. તેણે 24 વિકેટ ઝડપી હતી.
ટીમોઃ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કડેય.
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, ઝાઇ રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા.