રાજકોટઃ ભારતે ઓસ્ટ્રેલિયાને રાજકોટમાં રમાયેલી બીજી વનડે મેચમાં રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી મેળવી લીધી છે. હવે સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલ (80), શિખર ધવન (96) અને કેપ્ટન વિરાટ કોહલી (78)ની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 340 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સૌથી વધુ 98 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ ત્રણ, જાડેજા, કુલદીપ અને શૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
341 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. મુંબઈ વનડેમાં સદી ફટકારનાર ફિન્ચ પણ 33 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. 


સ્મિથ અને લાબુશેન વચ્ચે 96 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ 82 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈનિંગને સંભાળી હતી. સ્મિથે 47 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સ્મિથ અને લાબુશેને ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 178 રન હતો ત્યારે લાબુશેન (46) રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. લાબુશેને 47 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ભારતની ઈનિંગનો રોમાંચ
રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ધમાકેદાર શરૂઆત આપી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. 14મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એડમ ઝમ્પાએ ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ઝમ્પાએ રોહિત શર્માને LBW આઉટ કર્યો હતો. રોહિતે 42 રન બનાવ્યા હતા. 


શિખર ધવનના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. ધવન પોતાની સદી માત્ર 4 રનથી ચુકી ગયો હતો. ધવન 96 રન બનાવી કેન રિચર્ડસનનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ વનડે સિરીઝમાં ધવને સતત બીજી અડધી સદી ફટકારી છે. આ ધવનના વનડે કરિયરની 29મી અડધી સદી છે. ધવને પોતાની અડધી સદી 60 બોલમાં પૂરી કરી હતી. 


શ્રેયસ અય્યરને એડમ ઝમ્પાએ 7 રનના સ્કોર પર બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ વિરાટ કોહલીના રૂપમાં ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. કોહલીને સતત બીજી મેચમાં ઝમ્પાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય કેપ્ટને 76 બોલનો સામનો કરતા 6 ચોગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. સ્ટાર્કે વિરાટનો કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ મનીષ પાંડે (2) રન બનાવી કેન રિચર્ડસનનો શિકાર બન્યો હતો. 


તો કેએલ રાહુલે પાંચમાં ક્રમે બેટિંગ કરતા 38 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેએલ રાહુલ 52 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન ફટકારી રનઆઉટ થયો હતો. અંતે રવિન્દ્ર જાડેજા 16 બોલમાં 20 અને શમી 1 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube