IND vs AUS 3rd ODI: ટીમ ઈન્ડિયાએ બચાવી પોતાની લાજ, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કેનબરાના મનુકા ઓવલમાં મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે કેનબરાના મનુકા ઓવલમાં મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 5 વિકેટના નુક્સાન પર 302 રન બનાવ્યા છે. આ સાથે મેજબાન ટીમને જીતવા માટે 303 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 બોલમાં 289 રને ઓલઆઉટ થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયાની ટીમ 289 રન કરીને ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 289 રન પર સમેટાઈ જતા ભારતનો 13 રનથી વિજય થયો છે.
ઉપરા ઉપરી બે વિકેટ પડતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટે 278
શાર્દૂલ ઠાકુરે સીન એબોટની વિકેટ લીધી અને ત્યારબાદ ટી નટરાજને એસ્ટન એગરને આઉટ કરતા ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી ગઈ. હવે ભારત જીતથી એક ડગલું દૂર છે.
ગ્લેન મેક્સવેલ પણ આઉટ
ગ્લેન મેક્સવેલ જસપ્રીત બુમરાહની બોલિંગમાં 38 બોલમાં 59 રન કરીને આઉટ થઈ ગયો.
એલેક્સ કેરી રન આઉટ
ઓસ્ટ્રેલિયાનો એલેક્સ કેરી 42 બોલમાં 38 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. વિરાટ કોહલી અને કેએલ રાહુલે તેને રન આઉટ કર્યો.
કેપ્ટન ફિન્ચ આઉટ
રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને મોટી સફળતા અપાવી. શાનદાર બેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ફિન્ચને જાડેજાએ પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. ફિન્ચે 82 બોલમાં 75 રન બનાવ્યા.
સ્મિથનો જાદુ ન ચાલ્યો
ગત 2 વનડેમાં સદી ફટકારનાર સ્ટીવ સ્મિથ આ મેચમાં માત્ર 7 રન જ કરી શક્યો. શાર્દુલ ઠાકુરે તેની વિકેટ લીધી.
લબુશેન આઉટ
વોર્નરની જગ્યાએ આરોન ફિન્ચ સાથે ઓપનિંગ કરવા આવેલો માર્નલ લબુશેન માત્ર 7 રન બનાવીને ટી નટરાજનની બોલિંગમાં આઉટ થયો.
ઓસ્ટ્રેલિયાને 303 રનનો લક્ષ્યાંક
ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 302 રન કર્યા. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 303 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રનનું યોગદાન આપ્યું.
હાર્દિક પંડ્યાની અડધી સદી
હાર્દિક પંડ્યાએ 55 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી તો સ્ટેડિયમમાં હાજર દર્શકોએ ઊભા થઈને તેનું અભિવાદન કર્યું.
63 રન બનાવીને કોહલી આઉટ
વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 60મી અડધી સદી ફટકારી અને ત્યારબાદ 78 બોલમાં 63 રન બનાવીને જોશ હેજલવુડના બોલનો શિકાર બન્યો.
કોહલીના 50 રન પૂરા
વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 60મી અડધી સદી ફટકારી છે. તેણે 64 બોલમાં 50 રન પૂરા કર્યા.
ઐય્યર નિષ્ફળ
ટીમ ઈન્ડિયાના શ્રેયસ ઐય્યર પાસેથી ખુબ આશાઓ હતી પરંતુ તે 21 બોલમાં 2 ચોગ્ગાની મદદતી 19 રન જ બનાવી શક્યો અને પછી પેવેલિયન ભેગો થઈ ગયો.
શુભમન ગિલ પણ પેવેલિયન ભેગો
ટીમ ઈન્ડિયાના ઓપનર સારી લયમાં જોવા મળી રહ્યા હતા પરંતુ તેઓ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયા. માત્ર 33 રન બનાવીને એસ્ટન એગરના બોલ પર તે એલબીડબલ્યુ થઈ ગયો.
કોહલીના વનડેમાં 12 હજાર રન પૂરા
વિરાટ કોહલીએ વનડે કરિયરમાં 12 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે 23 રનના સ્કોર પર આ મુકામ હાંસલ કર્યો.
શિખર ધવન આઉટ
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન 12 રન બનાવીને આઉટ થઈ ગયો છે. શોન એબ્બટે તેને આઉટ કર્યો.
ભારતે જીત્યો ટોસ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
ટીમ ઈન્ડિયામાં ફેરફાર
ભારતીય ટીમમાં કુલ 4 ફેરફાર કરાયા છે. ઓપનર મયંક અગ્રવાલની જગ્યાએ શુભમન ગિલ, નવદિપ સૈનીની જગ્યાએ ટી નટરાજન, યુજવેન્દ્ર ચહરની જગ્યાએ કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફેરફાર
મેજબાન ટીમમાં ચોટિલ ડેવિડ વોર્નર, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને આરામ અપાયો છે. કેમરન ગ્રીનની આજે ડેબ્યુ મેચ છે. આ ઉપરાંત શોન એબ્બટ અને ડાર્સી શોર્ટને પણ તક આપવામાં આવી છે.
સિરીઝ ગુમાવી ચૂકી છે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલીની સેના 3 મેચોની વનડે સિરીઝ પહેલેથી 2-0થી ગુમાવી ચૂકી છે. હવે મહેમાન ટીમ પાસે આજની મેચ જીતીને લાજ બચાવવાની તક રહેશે. જો કે જે પ્રકારનું ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન છે જે જોતા ભારતીય ટીમ માટે આ મેચ જીતવી પણ સરળ નહીં રહે.
ભારતની પ્લેઈંગ XI: શુભમન ગિલ, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, ટી નટરાજન, કુલદીપ યાદવ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ XI: આરોન ફિન્ચ (કેપ્ટન) ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, મોઈજેસ હેનરિક્સસ, એડમ જમ્પા, જોશ હેજલવુડ, કેમરન ગ્રીન, એસ્ટન એગર, શોન એબ્બટ