મેલબોર્નઃ ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. આ સાથે ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગઈ છે. પાંચમાં દિવસે ભારતને જીતવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી. પરંતુ વરસાદને કારણે પ્રથમ સત્ર ધોવાઈ ગયું હતું. લંચ બાદ મેચ શરૂ થઈ તો દિવસની પાંચમી ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ વિજય મેળવી લીધો હતો. પહેલા જસપ્રીત બુમરાહે પેટ કમિન્સને 63 રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદની ઓવરમાં ઈશાંત શર્માએ નાથન લાયનને રિષભ પંતના હાથે કેચઆઉટ કરાવીને ભારતને વિજય અપાવ્યો હતો. ભારતનો આ ટેસ્ટ મેચોમાં 150મો વિજય છે. ભારતીય ટીમ પ્રથમવાર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ પહેલા ભારતે રમેલા સાત બોક્સિંગ ડે ટેસ્ટમાં પાંચમાં પરાજય અને બે મેચ ડ્રો રહી હતી. શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ઈનિંગમાં 9 વિકેટ ઝડપનાર ભારતીય બોલર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલબોર્નમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું અને આ સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારત 37 વર્ષ બાદ મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીત્યું છે. છેલ્લે 1981મા ભારતે મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી હતી. આ શ્રેણીમાં ભારતની આ બીજી જીત છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે સાતમી વખત ટેસ્ટ મેચ જીતી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 261 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગમાં પેટ કમિન્સે સૌથી વધુ (63) રન બનાવ્યા, જ્યારે શોન માર્શે (44) રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે આ ઈનિંગમાં જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી તો શમી અને ઈશાંત શર્માને બે-બે સફળતા મળી હતી. 


આ પહેલા વર્ષ 1977/78મા બિશન સિંહ બેદીની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી હતી. પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ મેચ ગુમાવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પર સવાલ ઉઠવા લાગ્યા હતા, પરંતુ વિરાટ સેનાએ મેલબોર્નમાં શાનદાર વાપસી કરીને મેચ જીતી લીધી છે. 


 



 


આ છે પ્રથમ ઈનિંગની સ્થિતિ
ભારતે પોતાની પ્રથમ ઈનિંગ સાત વિકેટના નુકસાન પર 443 રન ડિકલેર કરી હતી અને ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતની પાસે ફોલોઓન આપવાની તક હતી, પરંતુ પ્રવાસી ટીમે બીજી ઈનિંગ રમવાનો નિર્ણય લીધો હતો. બીજી ઈનિંગમાં તે 292 રનની લીડની સાથે ઉતરી હતી.