AUS vs IND: ભારત માટે દીવાલ બન્યા અશ્વિન-વિહારી, સિડની ટેસ્ટ ડ્રો
ઈજાગ્રસ્ત ખેલાડી હનુમા વિહારી અને આર અશ્વિનના લડાયક મિજાજની મદદથી ભારતે સિડની ટેસ્ટ ડ્રો કરીને મોટી સફળતા મેળવી છે. પાંચ વિકેટ ગુમાવ્યા બાદ વિહારી અને અશ્વિને 43 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી છે.
સિડનીઃ હનુમા વિહારી અને આર. અશ્વિનની લડાયકબેટિંગની મદદથી ભારતે અહીં સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા મેળવી છે. પૂજારા અને પંત આઉટ થયા બાદ ભારત માથે પરાજયનું સંકટ હતું. પરંતુ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. બંન્નેએ 43 ઓવર બેટિંગ કરી મેચ ડ્રો કરાવવામાં સફળતા મેળવી હતી. હનુમા વિહારીએ 161 બોલનો સામનો કરતા 23 અને અશ્વિને 128 બોલનો સામનો કરતા 39 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં પાંચ વિકેટે 334 રન બનાવ્યા હતા. સિડની ટેસ્ટ ડ્રો રહેતા હવે સિરીઝ 1-1ની બરોબરી પર છે. છેલ્લી અને અંતિમ ટેસ્ટ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે.
ઓસ્ટ્રેલિયા સામે દીવાલ બન્યા અશ્વિન-વિહારી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ પાંચમાં અને છેલ્લા દિવસે ડ્રો થઈ ગયો. વિવાદોથી ઘેરાયેલ સિડની ટેસ્ટમાં આ ડ્રો પણ ભારતની જીત સમાન છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 407 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા (52)એ શાનદાર શરૂઆત આપી. ત્યારબાદ રિષભ પંત અને પૂજારાએ જીતની આશા જગાવી હતી. બંન્નેએ 148 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત માત્ર 3 રનથી પોતાની સદી ચુકી ગયો હતો. જ્યારે પૂજારા 77 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અશ્વિન અને હનુમા વિહારીએ મળીને મેચ ડ્રો કરાવી હતી. બન્ને ખેલાડી કાંગારૂ બોલર સામે દીવાલ બની ગયા હતા.
ભારત પાસે હજુ પણ સિરીઝ જીતવાની તક
છેલ્લી વખત ભારતે વિરાટ કોહલીની આગેવાનીમાં અહીં 3-7 જાન્યુઆરી 2019માં ટેસ્ટ મેચ ડ્રો કરાવી હતી. ભારત ટેસ્ટ સિરીઝમાં દબાવમુક્ત છે. તેવામાં ભારત જો બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ જીતે તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર બીજીવાર સિરીઝ જીતી લેશે.
ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 338 રન બનાવ્યા ત્યારબાદ ભારતને 244 રન પર રોકી લીધું હતું. ત્યારબાદ યજમાન ટીમે પોતાની બીજી ઈનિંગ 6 વિકેટે 312 રન બનાવી ડિકલેર કરી અને ભારતને જીત માટે 407 રનનો મુશ્કેલ ટાર્ટેગ મળ્યો હતો.
ભારતીય ખેલાડીઓએ હાર ન માની અને મેચ બચાવી લીધી હતી. જ્યાં સુધી ક્રીઝ પર રિષભ પંત અને પૂજારા હતા ત્યારે ભારતીય ફેન્સને જીતની પણ આશા હતી, પરંતુ બંન્ને આઉટ થયા બાદ મેચ ડ્રો કરાવવી પણ જીત સમાન છે.
બીજી ઈનિંગમાં ભારત માટે પંચે 118 બોલ પર 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી સર્વાધિક 97 રન બનાવ્યા. આ સિવાય પૂજારાએ 205 બોલ પર 12 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આ ભારત માટે ચોથી વિકેટ માટે ચોથી ઈનિંગમાં સૌથી મોટી ભાગીદારી છે.
આ પહેલા રૂસી મોદી અને વિજય હજારેએ 1948-49મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચોથી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 139 રન જોડ્યા હતા. તો દિલીપ વેંગસરકર અને યશપાલ શર્માએ પાકિસ્તાન વિરુદ્ધઠ 1979મા 122 રનની ભાગીદારી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube