INDvsAUS: પૂજારાની સદીની મદદથી ભારત મજબૂત, દિવસના અંતે 304/4
ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક પહોંચેલી ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતીય ટીમની દીવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 304 રન બનાવી લીધા છે અને ચાર વિકેટ ગુમાવી છે.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝના ચોથા અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દિવસની રમતના અંતે 4 વિકેટે 303 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા (130) અને હનુમા વિહારી (39) રને ક્રિઝ પર હતા. આ પહેલા યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે વધુ એક વખત શાનદાર બેટિંગ કરતા 77 રન બનાવી આઉટ થયો હતો. પૂજારાએ આ સિરીઝમાં ત્રીજી સદી ફટકારી છે. તેણે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 123 અને મેલબોર્નમાં 106 રન બનાવ્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની 18મી સદી છે. આ સાથે ભારતીય ટીમ સિડનીમાં પણ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતશે તો 71 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતશે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બે તથા સ્ટાર્ક અને લાયને એક-એક વિકેટ ઝડપી હતી.
ભારતનો સ્કોર 300ને પાર
પૂજારા અને હનુમા વિહારીએ પાંચમી વિકેટ માટે આક્રમક 72 રન જોડીને ભારતનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. હનુમા વિહારી પણ શાનદાર લયમાં દેખાતો હતો અને તેણે કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા.
ભારતના 250 રન પૂરા
ભારતીય ટીમે ઈનિંગની 76મી ઓવરમાં પોતાના 250 રન પૂરા કરી લીધા હતા. ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રીજી સદી ફટકારી છે. તે શાનદાર ફોર્મમાં છે. ભારતને તેની પાસે મોટી ઈનિંગની આશા છે.
પૂજારાની ત્રીજી સદી
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ભારતીય ટીમની દીવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ સિરીઝમાં ત્રીજી સદી ફટકારી હતી. તેણે સિડની ટેસ્ટમાં 199 બોલમાં સદી પૂરી કરી લીધી છે. આ પહેલા એડિલેડમાં 123 અને મેલબોર્નમાં તેણે 106 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ચેતેશ્વર પૂજારા પ્રથમ ક્રમે છે. આ તેના કરિયરની 18મી સદી છે.
સારી શરૂઆત બાદ રહાણે આઉટ
ભારતનો વાઇસ કેપ્ટન સેટ થયા બાદ ફરી આઉટ થઈ ગયો હતો. તેને મિશેલ સ્ટાર્કે બાઉન્સર પર વિકેટકીપરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તે 55 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી.
ભારતના 200 રન પૂરા
ભારતે ઈનિંગની 61મી ઓવરમાં પોતાના 200 રન પૂરા કર્યા હતા.
વિરાટ કોહલી આઉટ
ટી બાદ પ્રથમઓવરમાં જ હેઝલવુડે ભારતને મોટો ઝટકો આપ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 23 રન આઉટ થયો હતો. તે ટિમ પેનને વિકેટપાછળ કેચ આપી બેઠો હતો.
ટી સમયે ભારત 177/2
બીજી સત્ર પણ ભારતના નામે રહ્યું હતું. ભારતે આ સત્રમાં એક વિકેટ ગુમાવી હતી. ચેતેશ્વર પૂજારાએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સિડનીમાં પણ અડધી સદી ફટકારી હતી. ટી સમયે પૂજારા 61 અને વિરાટ કોહલી 23 રને બેટિંગ કરી રહ્યાં હતા. આ બંન્નેએ ત્રીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી.
મયંક સદી ચુક્યો
મેલબોર્ન ટેસ્ટમાં પર્દાપણ મેચમાં મયંક અગ્રવાલ 76 રન બનાવી આઉટ થયો હતો. ત્યારે સિડની ટેસ્ટમાં તે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેની પાસે કરિયરની પ્રથમ સદી નોંધાવવાની શાનદાર તક હતી. પરંતુ તે નાથન લાયનની બોલિંગમાં 77 રન બનાવી આઉટ થયો હતો. આ તેના કરિયરનો સર્વોચ્ચ સ્કોર છે. આ દરમિયાન તેણે 112 બોલનો સામનો કર્યો હતો. જેમાં 7 બાઉન્ડ્રી અને બે સિક્સ ફટકારી હતી.
ભારતના 100 રન પૂરા
માત્ર 10 રનના સ્કોર પર એક વિકેટ ગુમાવ્યા બાદ મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. બંન્ને ખેલાડીઓએ લંચ બાદ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. મયંકે મેલબોર્ન બાદ સિડનીમાં પણ અડધી સદી ફટકારી છે. તો બીજીતર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ ચેતેશ્વર પૂજારા પણ એક છેડો સાચવીને ધૈર્યપૂર્ણ બેટિંગ કરી રહ્યો છે.
મયંક અગ્રવાલની અડધી સદી
મેલબોર્ન ટેસ્ટમાં પર્દાપણ મેચમાં અડધી સદી ફટકારનાર યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે સિડનીમાં પણ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી છે. તેણે 92 બોલમાં 6 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પરી કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ ગુમાવ્યું
ઓસ્ટ્રેલિયાએ પોતાનું પ્રથમ રિવ્યૂ ગુમાવી દીધું છે. પેટ કમિન્સના બોલ પર પૂજારા બેટિંગ કરી રહ્યો હતો. કમિનસ્નો બોલ પૂજારાના બેટની નજીકથી પસાર થયો હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ આઉટની અપીલ કરી. અમ્પાયરે નોટઆઉટનો ઈશારો કર્યો. ઓસ્ટ્રેલિયન કેપ્ટને ત્યારબાદ DRS લેવાનો નિર્ણય કર્યો અને થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ મેદાની અમ્પાયરનો નિર્ણય યથાવત રાખ્યો અને આ રીતે ઓસ્ટ્રેલિયાએ પોતાનું પ્રથમ રિવ્યૂ ગુમાવી દીધું હતું.
ભારતના 50 રન પૂરા
મિશેલ સ્ટાર્કે શાનદાર બાઉન્સર ફેંક્યો. મયંક અગ્રવાલને આ બોલની કોઈ જાણકારી ન હતી. તે ડક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને બોલ તેના ગ્લવ્સને લાગીને સ્લિપની ઉપરથી ચાર રન માટે ગયો હતો. આ ચોગ્ગાની સાથે ભારતના 50 રન પણ પૂરા થયા હતા.
રાહુલ ફરી ફ્લોપ, 9 રન બનાવી આઉટ
ટીમ ઈન્ડિયાનો ઓપનર ફરી નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 9 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. મહત્વનું છે કે, ખરાબ ફોર્મને કારણે રાહુલને ત્રીજી ટેસ્ટમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. અહીં રાહુલ પાસે મોટી ઈનિંગ રમવાની તક હતી, પરંતુ ફરી નિષ્ફળ રહ્યો હતો.
બ્લેક આર્મ બેન્ડ પહેરીની ઉતરી ટીમ ઈન્ડિયા
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના બાળપણના કોચ રહેલા રમાકાંત આચરેકરના નિધનના સન્માનના રૂપમાં ટીમ આજે બ્લેક આર્મ બેન્ડ પહેરીને મેદાન પર ઉતરી છે. મહત્વનું છે કે, બુધવારે આચરેકરનું મુંબઈમાં નિધન થયું હતું.
રોહિત શર્મા પુત્રીનો જન્મને કારણે ભારત પરત આવી ગયો છે. તેથી તેના સ્થાન પર લોકેશ રાહુલને 11મા સામેલ કરવામાં આવ્યો છે. તે ઓપનિંગ કરશે. ઈશાંતના સ્થાને કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અશ્વિન સંપૂર્ણ ફીટ થઈ શક્યો નથી.
40 વર્ષની નથી જીત્યું ભારત
સિડની ક્રિકેટ મેદાન પર ભારતનો રેકોર્ડ સારો નથી. આ મેદાન પર ભારત છેલ્લો 1978મા જીત્યું હતું. ત્યારે બિશન સિંહ બેદીની આગેવાનીમાં ભારતને જીત મળી હતી. ભારતે અહીં 11 મેચ રમી છે, જેમાં પાંચમાં પરાજય અને પાંચ મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ અહીં 109 મેચ રમી છે. તેને 59મા જીત અને 28મા હાર મળી છે. જ્યારે 19 મેચ ડ્રો રહી છે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.