IND vs AUS: સેનાનું સન્માન, આર્મી કેપ પહેરીને રમી રહી છે ટીમ ઈન્ડિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ આર્મી કેપ્ટન પહેરીને રમી રહી છે. આ ટોપી મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સોંપી હતી.
રાંચીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ આર્મી કેપ પહેરીને રમી રહી છે. આ કેપ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આપી હતી. ભારતીય સેનાના પરાક્રમ, બલિદાન અને સાહસનું સન્માન કરતા બીસીસીઆઈએ આ પગલુ ભર્યું છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પિંક ટેસ્ટ અને આફ્રિકાના પિંક વનડેની જેમ હવે ટીમ ઈન્ડિયા દર વર્ષે એક મેચમાં આ ટોપી પહેરીને રમશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ આઈડિયો બીસીસીઆઈને ધોની અને કેપ્ટન વિરાટ દ્વારા આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ધોની પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ પણ છે. તેની શરૂઆત ત્રીજી વનડે મેચથી થઈ જે આગળ પણ ચાલુ રહેશે. દરેક સિઝનમાં ભારતીય ગ્રાઉન્ડ પર રમાનારા કોઈ એક મેચમાં ટીમ ઈન્ડિયા આ કેપ સાથે ઉતરશે.
ડોનેટ કરી મેચ ફી
ટોસ સમયે કોહલીએ જણાવ્યું કે, ટીમ આ મેચની ફી પણ નેશનલ ડિફેન્સ ફંડમાં ડોનેટ કરશે. આ સાથે પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને લોકોને તેમના પરિવારની મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, આર્મ્ડ ફોર્સ માટે ધોનીનો પ્રેમ બધાને ખબર છે. તેથી તેને ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીથી શરૂ કરવામાં આવ્યું. અધિકારીએ કહ્યું કે, ધોની ક્રિકેટ છોડ્યા બાદ ફુલ ટાઇમ સેનામાં જોડાઈ જાય તો તેમાં કોઈ ચોંકાવનારી વાત નથી.
બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ધોની ટીમના ખેલાડીઓને કેપ આપી રહ્યો છે. સૂત્રો અનુસાર ધોની અને કોહલી બ્રાન્ડ નાઇકીની સાથે મળીને તેના પર છેલ્લા 6 મહિનાથી કામ કરી રહ્યાં છે.