India vs Australia: મયંકે પર્દાપણ પર ફટકારી અડધી સદી, રચ્યો ઈતિહાસ
મયંક અગ્રવાલે મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી છે. 1947 બાદ આ પ્રથમ અવસર છે જ્યારે ભારતના કોઈ ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં પર્દાપણ કરતા અડધી સદી ફટકારી છે.
નવી દિલ્હીઃ મયંક અગ્રવાલે મેલબોર્ન ટેસ્ટમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને ઈનિંગની શરૂઆત કરવાની તક આપી હતી. અગ્રવાલે લંચ બાદ નાથન લાયનના બોલ પર બાઉન્ડ્રી ફટકારી અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે ઈતિહાસ રચી દીધો છે. તે પર્દાપણમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
અગ્રવાલ પહેલા માત્ર દત્તાત્રેય ગજાનન (દત્તૂ) ફાડકરે ભારતના 1947-48ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સિડનીમાં 51 રનની ઈનિંગ રમી હતી. તેમણે 12 ડિસેમ્બર 1947ના દિવસે અડધી સદી ફટકારી હતી. મયંક ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ પર્દાપણ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
પર્દાપણ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર તે બીજો ભારતીય છે. પૃથ્વી શોએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટઃ લાઇવ સ્કોરબોર્ડ
આ પહેલા બુધવારે મેલબોર્નમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરાવનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે આ મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે. ખરાબ ફોર્મને કારણે મુરલી વિજય અને રાહુલને બહાર કરી દેવામાં આવ્યા છે. તો ઉમેશ યાદવને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેના સ્થાને મયંક અગ્રવાલ, રોહિત શર્મા અને જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.