નવી દિલ્હીઃ ઈશાન કિશન (210 રન) અને વિરાટ કોહલી (113) રનની શાનદાર બેટિંગની મદદથી ભારતે ત્રીજી વનડેમાં બાંગ્લાદેશને 227 રને કારમો પરાજય આપ્યો છે. પ્રથમ બે વનડે મેચમાં હાર બાદ ભારતને શાનદાર જીત મળી છે. આ સાથે બાંગ્લાદેશ ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતવામાં સફળ રહ્યું છે. ત્રીજી વનડેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 409 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે બંને દેશો વચ્ચે 14 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાન કિશને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં આજે ઈશાન કિશનને ટીમમાં તક મળી હતી. ઈશાન કિશને શિખર ધવન સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ઈશાન કિશને શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે આક્રમક ફટકાબાજી કરતા બાંગ્લાદેશના બોલરો સામે પ્રહાર કર્યાં હતા. ઈશાને 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે માત્ર 126 બોલમાં બેવડી સદી ફટકારી દીધી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. આ પહેલા ક્રિસ ગેલે વનડે ક્રિકેટમાં 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન કિશન ભારત તરફથી વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટર બની ગયો છે. ઈશાન કિશને 131 બોલમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 210 રન ફટકાર્યા હતા. 


વિરાટ કોહલીએ તોડ્યો પોન્ટિંગનો રેકોર્ડ
તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આશરે 40 મહિના બાદ વનડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ કોહલીની વનડે ક્રિકેટમાં 44મી સદી છે. તો ઓલઓવર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી દીધો છે. વિરાટની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે 72 સદી થઈ ગઈ છે. જ્યારે પોન્ટિંગની 71 સદી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદીના મામલામાં હવે વિરાટ નંબર 2 છે. જ્યારે નંબર વન પર ભારતના સચિન તેંડુલકર છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદી:
1. સચિન તેંડુલકર - 100 સદી
2. વિરાટ કોહલી - 72 સદી
3. રિકી પોન્ટિંગ - 71 સદી


વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી:
1. સચિન તેંડુલકર - 49 સદી
2. વિરાટ કોહલી- 44 સદી
3. રિકી પોન્ટિંગ - 30 સદી
4. રોહિત શર્મા - 29 સદી


બાંગ્લાદેશની ઈનિંગ
બાંગ્લાદેશ તરફથી શાકીબ-અલ-હસને સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. આ સિવાય લિટન દાસ 29 રન બનાવી આઉટ થયો હતો. યાસિર અલીએ 25 અને મહમૂદુલ્લાહે 20 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર અનામુલ હક 8 રન બનાવી આઉટ થયો હતો. વિકેટકીપર મુશફીકુર માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. અફિસ હુસૈન 8 રન બનાવી આઉટ થયો હતો. તો મેહદી હસન મિરાઝે માત્ર 3 રન બનાવ્યા હતા. 


ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 30 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અક્ષર પટેલ અને ઉમરાન મલિકને 2-2 તથા કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube