સંજૂ સેમસન અને આ ખતરનાક બેટરની ટીમમાં થઈ શકે છે એન્ટ્રી, સ્ક્વોડમાં જોવા મળશે મોટા ફેરફાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી20 સિરીઝ માટે જલ્દી બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવશે. આ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે.
India vs Bangladesh T20I Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમાશે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ તરફથી જલ્દી ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. તેમાં ઘણા ફેરફાર પણ જોવા મળી શકે છે.
સેમસનની થશે વાપસી, ઈશાન કિશન પણ દાવેદાર
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે રિષભ પંતને આરામ આપવામાં આવી શકે છે. તે સતત રમી રહ્યો છે. આ વચ્ચે સંભાવના છે કે સંજૂ સેમસન પ્રથમ ચોઇસ વિકેટકીપરના રૂપમાં ટીમમાં સ્થાન મેળવી શકે છે. પરંતુ ઈશાન કિશન પણ દાવેદારી રજૂ કરી રહ્યો છે. આ બંને ખેલાડીએએ દુલીપ ટ્રોફીમાં સદી ફટકારી હતી. આ વચ્ચે ઈશાન કિશનને ઈરાની ટ્રોફી માટે રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ મેચ 1થી 5 ઓક્ટોબર વચ્ચે રમાશે. તો ભારતે પ્રથમ ટી20 મેચ 6 ઓક્ટોબરે રમવાની છે. તેવામાં ઈશાન કિશન ઈરાની ટ્રોફીમાં રમે તો પ્રથમ ટી20 મેચ રમી શકશે નહીં.
આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ વચ્ચે અચાનક આ ગુજરાતી ચર્ચામાં, જાણો કોણ છે દ્રોણ દેસાઈ?
શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલને મળી શકે છે આરામ
આ પહેલા ટીમ ઈન્ડિયાએ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમી હતી, તેમાં સંજૂ સેમસનને તક મળી પરંતુ તે સારૂ પ્રદર્શન કરી શક્યો નહીં. હવે બીસીસીઆઈ સંજૂને વધુ એક તક આપી શકે છે. ક્રિકબઝના રિપોર્ટમાં પણ તે વાતનો ખુલાસો થયો છે કે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમી રહેલા ગિલ અને યશસ્વી જાયસવાલને પણ ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. તેવામાં ઓપનિંગ માટે સંજૂ સેમસન પ્રથમ વિકલ્પ હોઈ શકે છે. તેના જોડીદારના રૂપમાં અભિષેક શર્માની એન્ટ્રી થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ખેલાડીઓને આરામ
એટલું જ નહીં રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, રિષભ પંત સહિત ઘણા ખેલાડી ટી20 સિરીઝમાં રમશે નહીં. હકીકતમાં ટી20 સિરીઝ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. તેવામાં મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. આમ પણ અત્યારે ટી20ની કોઈ મોટી ટૂર્નામેન્ટ રમાવાની નથી. તે પણ નક્કી છે કે સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળશે. જ્યારે હાર્દિક પંડ્યા પણ આ સિરીઝમાં રમશે.