IND vs ENG ત્રીજી ટેસ્ટઃ ત્રીજો દિવસ વિરાટ કોહલીને નામે રહ્યો, ઈંગ્લેન્ડને 521 રનનું લક્ષ્ય
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટની 23મી અને કારકિર્દીની 58મી સદી ફટકારી, ભારત બીજી ઈનિંગ્સ- 352/7, ઈંગ્લેન્ડ 23/0
નોટિંઘમઃ ટીમ ઈન્ડિયાએ નોટિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને વિજય માટે 521 રનનું લક્ષ્ય આપ્યું છે. હજુ મેચમાં બે દિવસ બાકી છે અને ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 23 રન બનાવ્યા છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 352 રન બનાવીને પોતાની બીજી ઈનિંગ્સ જાહેર કરી હતી. આમ, ભારતે ઈંગ્લેન્ડ પર કુલ 520 રનની લીડ મેળવી છે. આ લક્ષ્ય ઈંગ્લેન્ડ માટે સરળ નથી. જો મેચમાં વરસાદ નહીં પડે તો પરિણામ આવવું નક્કી છે.
ત્રીજા દિવસે વિરાટ કોહલી પાસે એ પડકાર હતો કે તે ઈંગ્લેન્ડ સામે કયો લક્ષ્ય મુકે. તે એમ નહોતો ઈચ્છતો કે તેની ટીમ આઉટ થઈ જાય. આથી વિરાટે આમ થવા દીધું નહીં અને ઈંગ્લેન્ડને પણ બેટિંગ કરવાનો સમય આપવામાં સફળ રહ્યો. વિરાટે પોતાની સદી ફટકારવામાં પણ સમય લીધો અને સદી ફટકાર્યા બાદ પોતે થોડો સમય લીધો અને સાથે જ ટીમને પણ રન બનાવવા માટે સમય આપ્યો. લક્ષ્ય મોટું કરવાના ચક્કરમાં વિરાટે ટીમને ઝડપથી રન બનાવવા જણાવ્યું ન હતું. જોકે, ઈનિંગ્સના અંતમાં હાર્દિકે કેટલીક ઓવરમાં ઝડપી રન બનાવ્યા હતા. જોકે, વિરાટ વધુ રન બનાવવા આતુર જોવા મળ્યો ન હતો.
પુજારા, હાર્દિક અને ધવનનું પણ યોગદાન રહ્યું
વિરાટના 102 રન બાદ ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 72 રન બનાવ્યા અને તેણે વિરાટ સાથે 113 રનની ભાગીદારી પણ મહત્ત્વની રહી. તેના પછી આવેલા હાર્દિક પંડ્યાએ 52 રન, શિખર ધવનના 44 રન, કે.એ. રાહુલના 36 રન તથા અજિંક્ય રહાણેના 29 રનનું પણ યોગતાન મહત્ત્વનું રહ્યું.
ત્રીજા દિવસની શરૂઆત ભારતે ચેતેશ્વર પુજારા(33) અને કેપ્ટન વિરાટ કોહલી(8) સાથે બે વિકેટે 124 રનથી કરી હતી. ઈંગ્લેન્ડની ટીમને ભારતીય ટીમના 8 ખેલાડી આઉટ કરવાના હતા. લંચ સુધી બંનેએ ભેગા મળીને ટીમની લીડ 362 સુધી પહોંચાડી દીધી હતી. તેની સાથે જ તેમણે પોતાની અડધી સદી પણ પુરી કરી લીધી હતી. બંનેએ ટીમનો સ્કોર બે વિકેટે 194 પર પહોંચાડી દીધો હતો.
પૂજારા સદી પૂરી કરતા પહેલા આઉટ થયો
લંચ બાદ ચેતેશ્વર પુજારા 72 રન બનાવીને બેન સ્ટોક્સના બોલે સ્લિપમાં એલિસ્ટર કૂકને કેચ આપી બેઠો. પૂજારા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 224 હતો. વિરાટ-પુજારાની જોડીએ 113 રનની ભાગીદારી કરી હતી. પૂજારાનો ઈંગ્લેન્ડમાં છેલ્લી 8 ટેસ્ટમાં આ સર્વોચ્ચ સ્કોર હતો. વિરાટે સિરીઝમાં પોતાનાં 400 રન પૂરા કર્યા હતા. લંચ બાદ બંનેએ ટીમ ઈન્ડિયાનો સ્કોર 211 સુધી પહોંચાડી દીધો હતો અને ટીમની લીડ 380 રનની થઈ ગઈ હતી.
કોહલીની 23મી ટેસ્ટ અને કારકિર્દીની 58મી સદી
ટી બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ પોતાનો સ્કોર 270 પર પહોંચાડી દીધો અને લીડ 438 રનની થી ગઈ હતી. વિરાટ પ્રથમ ઈનિંગ્સમાં 97 રને આઉટ થયો હતો અને બીજી ઈનિંગ્સમાં પણ ટી બ્રેક સમયે તેને સદી પુરી કરવામાં 7 રન બાકી હતા. ટી બ્રેક બાદ વિરાટે પોતાની સદી પૂરી કરી. આ તેની કારકિર્દીની 23મી, કેપ્ટન તરીકે 16મી અને ઈંગ્લેન્ડમાં બીજી સદી હતી. કોહલીની ચાલુ વર્ષની આ છઠ્ઠી આંતરરાષ્ટ્રીય સદી પણ છે. આ સાથે જ કોહલીની ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે કુલ 5 સદી થઈ ગઈ છે.