અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ શનિવારે રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં 36 રનથી માત આપીને 5 મેચોની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી. ભારતે પહેલા બેટિંગ કરતા બે વિકેટ પર 224 રનનો વિશાળ સ્કોર કર્યો અને પછી ઈંગ્લેન્ડને 20 ઓવરમાં આઠ વિકેટ પર 188 રન પર સમેટી લીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નિર્ણયે પલટી નાખી આખી બાજી
એક સમયે ભારત મેચમાં નાજુક હાલાતમાં જોવા મળી રહ્યું હતું પરંતુ કેપ્ટન વિરાટ કોહલીના એક નિર્ણયે આખી બાજી પલટી નાખી ઈંગ્લેન્ડે 12.4 ઓવરમાં જ 4 વિકેટ પર 130 રન બનાવી લીધા હતા. ક્રીઝ પર જોસ બટલર અને ડેવિડ મલાન જોખમી બનીને ઉભર્યા હતા.  તે વખતે ઈંગ્લેન્ડને 44 બોલમાં 95 રનની જરૂર હતી અને તે ઝડપથી જીત તરફ આગળ વધી રહ્યું હતું. 


ગેમ ચેન્જર બની ગયો ભુનેશ્વરકુમાર
ત્યારે ભુનેશ્વરકુમારે ઈંગ્લેન્ડની ઈનિંગની 13મી ઓવરમાં પાંચમા  બોલે જોસ બટલરને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવી દીધો. આ વિકેટે મેચનો નક્શો બદલી નાખ્યો. જોસ બટલર જેવો જોખમી બેટ્સમેન જો ક્રિઝ પર હોત તો ઈંગ્લેન્ડ આ મેચ જીતી જાત અને સિરીઝ પણ જીતી ગયું હોત. પરંતુ વિરાટ કોહલીએ આવું થવા દીધુ નહીં. કોહલીએ પોતાની ચતુર કેપ્ટનશીપનો નમૂનો બતાવતા તોફાની બેટિંગ કરી રહેલા બટલર સામે 13મી ઓવરમાં ભુવનેશ્વરકુમારને ઉતારવાનો નિર્ણય લીધો જે બિલકુલ સાચો સાબિત થયો. 


બટલરની વિકેટ પડ્યા બાદ ઈંગ્લેન્ડ ખખડી ગયું
જોસ બટલર 34 બોલમાં 52 રન કરીને આઉટ  થયો. બટલરની આ તોફાની ઈનિંગમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ રહ્યા. આ મેચ અને સિરીઝના પરિણામને જોતા બટલરની વિકેટ નિર્ણાયક સાબિત થઈ. બટલર આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની લય તૂટી ગઈ અને ભારતીય  બોલરોએ ઈંગ્લન્ડને 20 ઓવરમાં આઠ વિકેટ પર 188 રન સમેટી લીધુ. આમ ભારતે છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 36 રને હરાવી 5 મેચોની ટી20 સિરીઝ 3-2થી જીતી લીધી. 


ભુવનેશ્વરકુમાર બન્યો મેન ઓફ ધ મેચ
ભુવનેશ્વરકુમારને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી. આ દરમિયાન તેની બોલિંગનો ઈકોનોમી રેટ પણ 3.80નો રહ્યો. જે ટી-20માં ખુબ સારો ગણાય છે. ટીમ ઈન્ડિયાની આ સિરીઝની જીતનો હિરો કેપ્ટન વિરાટ કોહલી રહ્યો. જેણે આ ટી20 સિરીઝમાં સૌથી વધુ 231 રન કર્યા. વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ બન્યો. વિરાટ કોહલીએ છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં અણનમ 80 રન કર્યા. હવે ભારત 23 માર્ચથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ પુણેમાં રમશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube