રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબાને ડેડિકેટ કર્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ, જણાવ્યું તેનું કારણ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજકોટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી પટકારી હતી અને ત્યારબાદ બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ લીધી હતી.
IND vs ENG: પાંચ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને મોહમ્મદ સિરાજનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ કારણ છે કે રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચની પસંદગી કરવી મુશ્કેલ કામ હતું. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારનાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજા માટે આ એવોર્ડ ખુબ મહત્વનો છે. સિરીઝની પ્રથમ મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને બીજી ટેસ્ટમાંથી બહાર રહ્યો હતો. રાજકોટ ટેસ્ટ મેચ પહેલા રવિન્દ્ર જાડેજાના પિતાનું એક ઈન્ટરવ્યૂ ખુબ વાયરલ થયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જાડેજા લગ્ન બાદ બદલાય ગયો છે અને રિવાબાના આવ્યા બાદ તેમના પુત્ર સાથે સંબંધ ખરાબ થઈ ગયા છે.
આ ઈન્ટરવ્યૂ બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આ આરોપો પાયાવિહોણા છે. આ વિવાદની જાડેજાના પ્રદર્શન પર કોઈ અસર પડી નહીં અને તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજકોટ ટેસ્ટમાં જાડેજા પ્રથમ ઈનિંગમાં બેટિંગ માટે આવ્યો ત્યારે ભારતનો સ્કોર 33 રન પર 3 વિકેટ હતો. જાડેજાએ રોહિત સાથે મળીને 200થી વધુ રનની ભાગીદારી કરી હતી.
બીસીસીઆઈ ટીવીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેપ્ટન રોહિત શર્માથી લઈને શુભમન ગિલ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે જણાવ્યું કે મેચનો ટર્નિંગ પોઈન્ટ કયો રહ્યો. આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના મેન ઓફ ધ મેચ એવોર્ડને લઈને કહ્યું- એક ટેસ્ટ મેચમાં સદી અને પાંચ વિકેટ ઝડપવી ખાસ છે અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત પણ ખાસ છે. હું આ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મારી પત્નીને ડેડિકેટ કરવા ઈચ્છીશ. તેણે મારી પાછળ મેન્ટલી ખુબ મહેનત કરી છે અને સાથે તેણે મને ખુબ આત્મવિશ્વાસ આપ્યો છે.
રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા બંનેએ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 319 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે 430/4ના સ્કોર પર બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. બીજી ઈનિંગમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 41 રન આપી પાંચ વિકેટ લીધી હતી. ભારતે રાજકોટ ટેસ્ટમાં 434 રને જીત મેળવી હતી.