ભારત વિ. ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટઃ પ્રથમ ઈનિંગ્સમાં ભારતનો સ્કોર 307/6, વિરાટ કોહલી સીરિઝની બીજી સદી ચૂક્યો
ટીમ ઈન્ડિયાએ શ્રેણીને જીવંત રાખવા માટે આ મેચ કોઈ પણ હિસાબે જીતવી પડશે, ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને સ્થાને રિષભ પંતને સ્થાન અપાયું
નોટિંઘમઃ ઈંગ્લેન્ડ સામે ભારતે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 87 ઓવરમાં 6 વિકેટે 307 રન બનાવ્યા છે. અંતિમ અને છઠ્ઠી વિકેટ હાર્દિક પંડ્યાની પડી, જે અંગત 18 રને આઉટ થયો હતો. એન્ડરસનના બોલે હાર્દિકે બટલરને કેચ આપી દીધો હતો. પાંચમી વિકેટ તરીકે કેપ્ટન વિરાટ કોહલી આઉટ થયો હતો, જે 97 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. વિરાટ કોહલી પોતાની 18મી અને આ શ્રેણીની બીજી સદી ચૂકી ગયો હતો. ઈંગ્લેન્ડના આદિર રશિદે કોહલીને બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચોથી વિકેટ અજિંક્ય રહાણેની પડી હતી, જે 81 રન બનાવીને સ્ટૂઅર્ટ બ્રોડના બોલ પર એલિસ્ટર કૂકના હાથે કેચઆઉટ થયો હતો. કોહલી અને રહાણેએ ચોથી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી હતી.
ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ ક્રિસ વોક્સે લંચ પહેલા પાડી હતી. તેણે ચેતેશ્વર પૂજારાને 14 રને આઉટ કરી દીધો હતો. ભારતીય ટીમને આ સંકટમાંથી બહાર કાઢવામાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની ભૂમિકા મહત્ત્વની રહી. 49મી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીએ આ શ્રેણીની બીજી અડધી સદી ફટકારી હતી. ત્યાર બાદ રહાણેએ પણ ખરાબ ફોર્મમાંથી બહાર આવતાં આ શ્રેણીની પોતાની પ્રથમ અને કારકિર્દીની 13મી અડધી સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડે ભારતીય ટીમ સામે ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રીજી ટેસ્ટમાં કે.એલ. રાહુલ અને શિખર ધવન ઓપનિંગમાં આવ્યા હતા. બંનેએ ટીમને સારી શરૂઆત આપી હતી. આ શ્રેણીમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 60 રનનો સ્કોર પાર કર્યો હતો. બીજી ટેસ્ટમાં બહાર રહેલા શિખર ધવને ત્રીજી ટેસ્ટમાં શાનદાર વાપસી કરી અને રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ક્રિસ વોક્સે ધવનને તેના 35ના સ્કોર પર આઉટ કરી દીધો હતો. તેના થોડા સમય બાદ જ ક્રિસ વોક્સે ઓપનર કે.એલ. રાહુલને પણ 23 રનનાં સ્કોર પર આઉટ કરી દીધો હતો.
શ્રેણીમાં 2-0થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા માટે શ્રેણીને જીવંત રાખવા આ મેચ કોઈ પણ હિસાબે જીતવી પડે એમ છે. ઈંગ્લેન્ડે મેચા હીરો સેમ કરેનના સ્થાને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટીમમાં પાછો લીધો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફાર કર્યા છે. મુરલી વિજય, દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવને બહાર બેસાડાયા છે. મુરલી વિજયના સ્થાને શિખર ધવન, વિકેટકીપર દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને સ્થાન અપાયું છે. તે ટીમ ઈન્ડિયા તરફથી 291મો ખેલાડી છે, જે ટેસ્ટ મેચ રમશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ પ્લેઈંગ 11માં સ્થાન અપાયું છે. ટ્રેન્ટબ્રિજમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર 1 મેચમાં વિજય મેળવ્યો છે.
આ મેચમાં પણ હવામાનની ભૂમિકા મુખ્ય રહેશે ઈંગ્લેન્ડના હવામાન વિભાગ મુજબ ત્રીજી ટેસ્ટના પ્રથમ ચાર દિવસમાં વાદળ છવાયેલા રહેશે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર મેચમાં પ્રભાવિત રહી શકે છે. બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારમાં હવામાને મોટી ભૂમિકા ભજવી હતી.