IND vs ENG: 2 `અનલકી` ભારતીય બેટર, ફટકારી બેવડી-ત્રેવડી સદી, છતાં થઈ ગયા બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે. પરંતુ સૌથી વધુ એવરેજના મામલામાં સચિન વિનોદ કાંબલી કરતા ઘણા પાછળ છે. જ્યારે સૌથી મોટા સ્કોરના મામલામાં કરૂણ નાયર સૌથી આગળ છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી સફળ બેટર્સના લિસ્ટમાં તમે જ્યારે નજર કરશો તો એક અલગ સમાનતા જોવા મળશે. ભારત અને ઈંગ્લેન્ડના 2-2 બેટર એવા છે, જેણે વિરોધી ટીમ વિરુદ્ધ 100થી વધુની એવરેજથી રન બનાવ્યા છે, પરંતુ તેને આગામી સિરીઝમાં તક મળી નહીં. સૌથી વધુ એવરેજના લિસ્ટમાં પ્રથમ નામ ઈંગ્લેન્ડના ડેવિડ લોયડનું આવે છે. આ લિસ્ટમાં બીજુ અને ચોથું નામ ભારતીય બેટર્સનું છે. બીજા નંબરે રહેલા બેટરે તો ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. જ્યારે ચોથા ક્રમે રહેલા બેટરના નામે સતત બે બેવડી સદી છે.
યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે. ત્યારબાદ જો રૂટ, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલીનું નામ આવે છે. પરંતુ આજે આપણે સૌથી વધુ એવરેજની વાત કરીએ છીએ, તો સચિન તેંડુલકર, ગાવસ્કર, કોહલી અને રૂટ પાછળ છૂટી જાય છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર ડેવિડ લોયડ છે. ત્યારબાદ કરૂણ નાયર, થોમસ વર્થંગટન અને વિનોદ કાંબલી આવે છે. પાંચમાં નંબર પર ડગલસ જોર્ડિંન છે.
આ પણ વાંચોઃ કોહલીના બદલે પાટીદારને મોકો! 5 દિવસમાં 2 સદી, પીચ પર ધોકાવાળી કરે છે આ ખેલાડી
303 રનની ઈનિંગ રમી થઈ ગયો બહાર
સૌથી પહેલા વાત કરૂણ નાયરની. કર્ણાટકના આ બેટરે 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પર્દાપણ કર્યું હતું. તેણે આ પર્દાપણ સિરીઝમાં ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. તેણે ત્રણ ટેસ્ટ મેચની 3 ઈનિંગમાં એકવાર અણનમ રહેતા 320 રન બનાવ્યા. સિરીઝમાં તેનો સર્વોચ્ચ સ્કોર 303 (અણનમ) અને એવરેજ 160ની રહી. કરૂણ નાયરે આ સિરીઝમાં 79.40ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. કરૂણ નાયર પોતાનું ફોર્મ જાળવી શક્યો નહીં. આશરે ત્રણ મહિના બાદ તેને જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચમાં તક આપવામાં આવી તો તે ફ્લોપ રહ્યો. કરૂણ નાયરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચની 4 ઈનિંગમાં માત્ર 54 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. કરૂણ નાયર આ સિરીઝ બાદ ક્યારેય ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શક્યો નહીં. આ રીતે તેનું ટેસ્ટ કરિયર 6 મેચ બાદ સમાપ્ત થઈ ગયું.
3 વર્ષમાં આવ્યો કાંબલીના કરિયરનો અંત
કરૂણ નાયર સાથે જે 2016માં થયું તે વિનોદ કાંબલી સાથે બે દાયકા પહેલાં થયું હતું. વિનોદ કાંબલીએ 1993માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પર્દાપણ કર્યું હતું. કાંબલીએ ટેસ્ટ કરિયરની ધમાકેદાર શરૂઆત કરતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચમાં 105.66ની એવરેજથી 317 રન ફટકારી દીધા હતા. તેમાં એક બેવડી સદી પણ સામેલ હતી. કાંબલીએ ઈંગ્લેન્ડ બાદ ઝિમ્બાબ્વે વિરુદ્ધ પણ બેવડી સદી ફટકારી હતી. પરંતુ 1993 પસાર થવાની સાથે કાંબલીનો યુગ પણ સમાપ્ત થઈ ગયો. તે 1994માં માત્ર બે અડધી સદી ફટકારી શક્યો. વર્ષ 1995માં તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કટકમાં 28 રન બનાવ્યા અને આ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ ઈનિંગ રહી હતી. ત્યારબાદ કાંબલીને ક્યારેય ભારતીય ટીમમાં રમવાની તક મળી નહીં.