ભુવનેશ્વરઃ વિશ્વકપમાં 43 વર્ષ બાદ મેડલ જીતવાનું સપનું લઈને ઉતરેલી ભારતીય હોકી ટીમની સામે  ગુરૂવારે ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડના રૂપમાં મોટો પડકાર હશે જે છેલ્લા બે મેચમાં 10 ગોલ કરીને  પોતાનો આક્રમક તેવર જાહેર કરી ચુક્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ રેન્કિંગમાં નેધરલેન્ડથી એક ક્રમ નીચે પાંચમાં સ્થાન પર રહેલી ભારતે પૂલ સીમાં ત્રણ મેચોમાંથી બે  જીતી અને એક ડ્રો બાદ ટોપ પર રહીને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. તો નેધરલેન્ડ ગ્રુપ ડીમાં બીજા  સ્થાને રહ્યું અને તેણે ક્રોસઓવર મેચ રમ્યો જેમાં કેનેડાને પાંચ ગોલથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા  બનાવી હતી. 


ખચાખચ દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં ચાહકોનો ઇંતજાર ભારતની વધુ એક શાનદાર જીતની સાથે મેડલની  નજીક પહોંચવાનો છે. અંતિમ લીગ મેચ 8 ડિસેમ્બરે રમનાર ભારતીય ટીમ ચાર દિવસના બ્રેક બાદ ઉતરશે. 


કોચ હરેન્દ્ર સિંહ પ્રમાણે અસલી ટૂર્નામેન્ટની શરૂઆત નોકઆઉટથી થશે અને તેની ટીમ ડચ પડકારનો  સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું, અમે આક્રમક હોકી રમી રહ્યાં છીએ અને તેમાં કોઈ ફેરફાર થશે  નહીં. અમને મોટી ટીમ વિરુદ્ધ સારી રમત રમવાનો અનુભવ છે અને નેધરલેન્ડને અમે હરાવી શકીએ છીએ. 


કોચના આત્મવિશ્વાસનું કારણ ભારતીય ટીમનું ગ્રુપ ચરણમાં પ્રદર્શન છે. જેમાં વિશ્વની ત્રીજા નંબરની ટીમ  બેલ્જીયમને રહેતા ભારતે પ્રથમ સ્થાને રહીને નોકઆઉટમાં સીધો પ્રવેશ મેળવી લીધો હતો. સાઉથ આફ્રિકાને  પાંચ ગોલથી હરાવ્યું જ્યારે કેનેડાને 5-1થી પરાજય આપ્યો હતો. બેલ્જીયમ સામે અંતિમ ચાર મિનિટમાં ગોલ ગુમાવ્યા બાદ 2-2થી ડ્રો રમી હતી. 


સિમરનજીત સિંહ, લલિત ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ઓડિશાના ડ્રૈગ ફ્લિકર રોહિદાસ સહિત ભારતીય  ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ડિફેન્સમાં કેટલિક તક છોડીને ભારતીય ખેલાડીઓએ  નિરાશ નથી કર્યા પરંતુ ડચ ખેલાડીઓને તક આપવાથી બચવું પડશે. ખાસ કરીને ડિફેન્સે અંતિમ મિનિટોમાં દબાવની આગળ ઢીલા પડવાની નબળાઇમાંથી બહાર આવવું પડશે. 


બીજીતરફ નેધરલેન્ડે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 18 ગોલ કર્યા છે. તેણે પૂલ સ્ટેજમાં મલેશિયાને  7-0થી અને પાકિસ્તાનને 1-4થી હરાવ્યું હતું. જર્મની સામે તેનો 1-4થી પરાજય થયો હતો. ડચ કોચે મૈક્સ  કેલડાસે સ્વીકાર કર્યો કે, કલિંગા સ્ટેડિયમમાં મોટા મેચમાં ભારતને હરાવવું પડકારજનક હશે પરંતુ તેમણે કહ્યું  કે, તેનો અનુભવ છે અને તેના ખેલાડી આ માટે તૈયાર છે .


લંડન ઓલમ્પિક 2012 અને વિશ્વકપ 2014મા નેધરલેન્ડની મહિલા ટીમને ગોલ્ડ મેડલ અપાવી ચુકેલા કોચે  કહ્યું, અમને ભરેલા મેદાનમાં રમવાની આદત છે અને અમે ભૂતકાળમાં ભારતને હરાવી ચુક્યા છીએ જેથી  દર્શકોનું યજમાન ટીમને સમર્થન અમારા માટે કોઈ મુદ્દો નથી. અમે અમારી રમત પર ધ્યાન આપીશું અને મેચમાં વિજય મેળવશું. 


ભારતીય ટીમે છેલ્લા કેટલાક સમયથી નેધરલેન્ડ વિરુદ્ધ પોતાનો રેકોર્ડ સુધાર્યો છે અને છેલ્લા નવ  મેચોમાંથી બંન્નેએ ચાર-ચાર જીત્યા અને એક ડ્રો રહ્યો છે. આમ તો વિશ્વકપમાં બંન્ને ટીમોનો સામનો છ વખત  થયો અને પાંચ મેચ જીત્યા અને એક હાર્યો છે. 


ટૂર્નામેન્ટમાં 1971થી અત્યાર સુધી ભારત માત્ર એકવાર 1975મા ટાઇટલ જીતી ચુક્યુ છે અને ત્યારબાદ તેનું  સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1994મા રહ્યું જ્યારે ટીમ પાંચમાં સ્થાને રહી હતી. તો ટૂર્નામેન્ટની બીજી સૌથી સફળ  ટીમમાંથી એક અને ગત વિશ્વકપની રનર્સઅપ નેધરલેન્ડ ત્રણ વખત (1973, 1990 , 1998)માં ટાઇટલ  જીતી ચુક્યું છે. ગુરૂવારે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીનો સામનો બેલ્જીયમ સામે થશે.