નેપિયરઃ  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેપિયરમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી  પાંચ મેચોની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 157 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમને 158 રનનો લક્ષ્ય મળ્યો હતો. જ્યારે ભારતીય ટીમે 10.1 ઓવરમાં 42 રન બનાવ્યા ત્યારે સૂર્યના તેજ પ્રકાશને કારણે મેચ રોકવી પડી હતી. ત્યારબાદ ભારતને 49 ઓવરમાં 156 રનનો સંશોધિત લક્ષ્ય મળ્યો હતો. જેને ભારતીય ટીમે 34.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 75 રન ફટકાર્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત તરફથી ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ડિનર બ્રેક બાદ પ્રથમ ઓવરમાં રોહિત શર્મા (11) રન બનાવી બ્રેસવેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન કોહલી અને શિખર ધવને બીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.  ધવને પોતાની આ ઈનિંગ દરમિયાન પોતાના વનડે કરિયરના 5000 રન પૂરા કર્યા છે. 5 હજાર રન બનાવનાર ધવન વિરાટ બાદ સૌથી ઝડપી ભારતીય છે. તેણે 118 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. ત્યારબાદ ધવને આક્રમક બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેપ્ટન વિરાટ કોહલી (45) રન બનાવી લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. તેણે 59 બોલમાં 3 બાઉન્ડ્રી ફટકારી હતી. 


ન્યૂઝીલેન્ડની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં મોહમ્મદ શમીએ માર્ટિન ગુપ્ટિલ (5)ને બોલ્ડ કરીને ન્યૂઝીલેન્ડને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ 18 રનના કુલ સ્કોર પર કોલિન મુનરો (8)ને પણ શમીએ બોલ્ડ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 18 રને બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેન વિલિયમસન અને અનુભવી બેટ્સમેન રોસ ટેલરે ટીમનો સ્કોર 50ને પાર કરાવ્યો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્પિનર ચહલને બોલ આપ્યો હતો. ચહલે ઈનિંગની 15મી ઓવરમાં રોસ ટેલર (24)ને કોચ એન્ડ બોલ્ડ કર્યો હતો. ટેલરે 41 બોલનો સામનો કરતા ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. 


ટેલર આઉટ થયા બાદ ટોમ લાથમ ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ ચહલે લાથમ (11)ને પણ કોટ એન્ડ બોલ્ડ કરીને કીવી ટીમને ચોથા ઝટકો આપ્યો હતો. આ દરમિયાન કેપ્ટન કિન વિલિયમસને વનડે કરિયરની 36મી અડધી સદી પૂરી કરી હતી. કીવી ટીમ એકબાજી વિકેટ ગુમાવતી હતી તો બીજી છેડે કેન વિલિયમસન ટીમના સ્કોરને આગળ વધારી રહ્યો હતો. 


ટોમ લાથમ બાદ સેન્ટનર મેદાને આવ્યો હતો. શમીએ પોતાના બીજા સ્પેલની પ્રથમ ઓવરમાં જ સેન્ટનર (14)ને LBW આઉટ કરીને ન્યૂઝીલેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ 147ના કુલ સ્કોર પર કેન વિલિયમસન (64)ને કુલદીપે આઉટ કરીને કીવીને બેકફૂટ પર લાવી દીધું હતું. વિલિયમસને 81 બોલનો સામનો કરતા 7 બાઉન્ડ્રી ફટકારી હતી.

ત્યારબાદ ડોબ બ્રેસવેલ (7)ને પણ કુલદીપે શિકાર બનાવ્યો હતો. લુકી ફર્ગ્યુસન (0) અને બોલ્ટ (1)ને પણ કુલદીપે આઉટ કરીને કીવી ટીમને 157 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટિમ સાઉદી 9 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી કુલદીપને ચાર, શમીને ત્રણ, ચહલને બે તથા કેદાર જાધવને એક સફળતા મળી હતી. 


કેન વિલિયમસને કહ્યું કે, અમે જાણીએ છીએ કે ટીમ ઈન્ડિયા સ્કોર ચેઝ કરવામાં માહિર છે. પરંતુ અમે મોટો સ્કોર ઉભો કરવી ઈચ્છીએ છીએ. તેણે કહ્યું કે, આ પિચ મેચમાં એક સમાન વર્તન કરશે. 


ટોસ બાદ કેપ્ટન કોહલીએ કહ્યું, અહીં બેટ્સમેનોની રમત છે અને દર્શકો અહીં ફોર-સિક્સ જોવા માટે આપે છે. પરંતુ અહીં અમારા બોલરોની ભૂમિકા મહત્વની છે. હું સમજુ છું કે અમારી ટીમ સંતુલિત છે અને અમારી પાસે સારી બોલિંગ બેટિંગ છે. 


ટીમઃ ભારત - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, એમએસ ધોની, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, વિજય શંકર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, શમી. 


ન્યૂઝીલેન્ડ- માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ડ્રગ બ્રાસવેલ, ટિમ સાઉદી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.