મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે આપેલા 540 રનના લક્ષ્યના જવાબમાં ન્યૂઝીલેન્ડે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે પાંચ વિકેટ પર 140 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડને હવે મેચ જીતવા માટે 400 રનની જરૂર છે તો ભારત શ્રેણી કબજે કરવાથી માત્ર 5 વિકેટ દૂર છે. સ્ટમ્પ સમયે હેનરી નિકલ્સ 36 રન અને રચિન રવીન્દ્ર 2 રન બનાવી ક્રિઝ પર હતા. આ પહેલા ભારતે પોતાની બીજી ઈનિંગ સાત વિકેટના નુકસાન પર 276 રન બનાવી ડિકલેર કરી હતી અને ન્યૂઝીલેન્ડ સામે 540 રનનો લક્ષ્ય રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેરેલ મિચેલની અડધી સદી
ભારતે પોતાની બીજી ઈનિંગ સાત વિકેટ પર 276 રન બનાવી ડિકલેર કરી હતી, આ રીતે પ્રથમ ઈનિંગની 263 રનની લીડની સાથે ન્યૂઝીલેન્ડ સામે ભારતે 540 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં મહેમાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 


13 રનના કુલ સ્કોર પર કેપ્ટન ટોમ લાથમ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. આર અશ્વિને તેને પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ વિલ યંગ અને ડેરેલ મિચેલ વચ્ચે 29 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ સેટ થયા બાદ યંગ આઉટ થયો હતો. તેણે 41 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. 


ત્યારબાદ ડેરેલ મિચેલે એટેક કરવાનું શરૂ કર્યુ હતું. મિચેલે 92 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અનુભવી રોસ ટેલર માત્ર 6 રન બનાવી અને ટોમ બ્લંડલ શૂન્ય રને આઉટ થયો હતો. 


ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે રચિન રવીન્દ્ર 23 બોલમાં બે અને હેનરી નિકલ્સ 86 બોલમાં 36 રન બનાવી અણનમ હતા. નિકલ્સ સાત ચોગ્ગા ફટકારી ચુક્યો છે. 


ભારતે 276 રને ડિકલેર કરી ઈનિંગ
આ પહેલા ભારતે બીજી ઈનિંગ સાત વિકેટે 276 રન બનાવી ડિકલેર કરી હતી. ભારત માટે મયંક અગ્રવાલે 62 રન બનાવ્યા હતા. તો શુભમન ગિલ અને પુજારાએ 47-47 રનનું યોગદાન આપ્યુ હતું. કોહલી 36 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં અક્ષર પટેલે 26 બોલમાં અણનમ 41 રન ફટકાર્યા હતા. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube