INDvsNZ- જીતી ન શકવું અફસોસની વાતઃ રોહિત શર્મા
આ સિરીઝમાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, તે જીત હાસિલ ન કરવાને કારણે દુખી છે.
નવી દિલ્હીઃ રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝનો અંતિમ મેચ ગુમાવતા ભારતે સિરીઝ પણ 1-2થી ગુમાવી દીધી હતી. આ સિરીઝમાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, તે જીત હાસિલ ન કરવાને કારણે દુખી છે. રોહિતે કહ્યું, જીતી ન શકવું અફસોસની વાત છે. 210થી વધુનો લક્ષ્ય હંમેશા મુશ્કેલ થવાનો હતો. પરંતુ અમે મેચને નજીક લઈ ગયા હતા.
ન્યૂઝીલેન્ડે ભારતને ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝના ત્રીજા અને અંતિમ મેચમાં 4 રનથી હરાવી દીધું હતું. રવિવારે ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત દ્વારા પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા 4 વિકેટ પર 212 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ આ લક્ષ્યનો પીછો કરતા 4 રને હારી ગઈ હતી. ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ પર 208 રન બનાવી શકી હતી.
રોહિતે ન્યૂઝીલેન્ડની ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, યજમાન ટીમે ઘણું સારૂ પ્રદર્શન કર્યું અને અંત સુધી સંયમ બનાવી રાખ્યો હતો. રોહિતે કહ્યું, કીવી ટીમ જીતને ડિઝર્વ કરતી હતી.
ભારતે વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 4-1થી હરાવ્યું હતું. રોહિતે કહ્યું, અમે વનડે સિરીઝની સારી શરૂઆત કરી અને ખેલાડીઓ ટી20 સિરીઝમાં તે પ્રદર્શન ન જાળવી શક્યા તેનું દુખ થશે.
રોહિતે કહ્યું કે, અહીં જીત્યા હોત તો સારૂ હતું પરંતુ હવે અમે ભવિષ્યની તૈયારી કરશું. અમારે હવે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સિરીઝ રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટી20 આંતરરાસષ્ટ્રીય મેચ અને 5 વનડે રમાવાની છે. સિરીઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે.