નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા એશિયા કપની નવી સીઝન માટે તૈયાર છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે. તો ટીમે ગ્રુપ રાઉન્ડની અંતિમ મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમવાની છે. બંને મેચમાં 90 ટકા વરસાદનો ખતરો છે. ટૂર્નામેન્ટના ગ્રુપ રાઉન્ડ માટે કોઈ રિઝર્વ ડે-રાખવામાં આવ્યો નથી. એટલે જો મેચ રદ્દ થાય તો બંને ટીમને એક-એક પોઈન્ટ મળશે. પાકિસ્તાનની ટીમે નેપાળ વિરુદ્ધ પ્રથમ મેચ મોટા અંતરથી જીતીને સુપર-4 માટે લગભગ ક્વોલિફાઈ કરી લીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને પાકિસ્તાનની 2 સપ્ટેમ્બરે રમાનારી મેચ જો વરસાદને કારણે રદ્દ થાય તો બાબર આઝમની ટીમ સુપર-4 માટે ક્વોલિફાઈ કરી લેશે. તેના બે મેચ બાદ 3 પોઈન્ટ થઈ જશે. તેવામાં માત્ર ભારતીય ટીમ જ 3 પોઈન્ટ સુધી પહોંચી શકશે. નેપાળની ટીમ પણ વધુમાં વધુ 2 પોઈન્ટ સુધી પહોંચી શકશે. ટીમ ઈન્ડિયાએ પોતાની અંતિમ ગ્રુપ ગેમમાં નેપાળ સામે રમવાનું છે. ભારતીય ટીમ આ મેચ જીતીને સુપર-4માં પહોંચી જશે. 


આ પણ વાંચોઃ બાબર આઝમે વનડે ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કોહલી અને અમલાને છોડ્યા પાછળ


નેપાળની ટીમ પર વધુ ખતરો
જો ભારત અને નેપાળની વચ્ચે મેચ વરસાદને કારણે રદ્દ થાય તો બંને ટીમને એક-એક પોઈન્ટ મળશે. તેવામાં ભારતના 2 પોઈન્ટ જ્યારે નેપાળનો એક પોઈન્ટ રહેશે. જો ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારી જાય અને નેપાળ વિરુદ્ધ મેચ રદ્દ થાય તો બંને ટીમના એક-એક પોઈન્ટ થઈ જશે. તેવામાં નિર્ણય નેટ રનરેટના હિસાબથી થશે. નેપાળની ટીમ પ્રથમવાર એશિયા કપ રમી રહી છે અને તેને પાકિસ્તાન સામે 238 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. તેની નેટ રનરેટ માઇનસ -4.760 છે. તેવામાં ભારતીય ટીમ 238 રન કરતા વધુ અંતરથી હાર્યા બાદ જ ટૂર્નામેન્ટમાંથી બહાર થશે. ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને જોતા આ લગભગ અસંભવ છે. 


ગ્રુપ-બીની વાત કરીએ તો અહીં જોરદાર ટક્કર જોવા મળશે. શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ગ્રુપમાં જગ્યા મળી છે. અફઘાનિસ્તાને હંમેશા પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવ્યા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-4માં પહોંચશે. સુપર-4માં દરેક ટીમોએ ત્રણ-ત્રણ મેચ રમવાની છે. ત્યારબાદ ટોપ-2 ટીમો ફાઈનલમાં જશે. ટીમ ઈન્ડિયાએ સાત વખત એશિયા કપની ટ્રોફી જીતી છે. બીજા સ્થાને શ્રીલંકા છે, જે છ વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે પાકિસ્તાને આ ટૂર્નામેન્ટ પર બે વખત કબજો કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube