IND vs SA: પ્રથમ દિવસ આફ્રિકાના નામે, ભારતને 202 રનમાં ઓલઆઉટ કર્યા બાદ બનાવ્યા 35/1 રન
Ind vs SA 2nd Test Match: ભારતીય ટીમની બીજી ટેસ્ટમાં શરૂઆત ખરાબ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રાહુલે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા.
જોહનિસબર્ગઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો જોહનિસબર્ગમાં રમાઈ રહ્યો છે. બીજી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને અશ્વિનને છોડીને ભારતના તમામ બેટરો ફ્લોપ રહ્યા અને ટીમ માત્ર 202 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં આફ્રિકાએ પ્રથમ દિવસના અંતે 1 વિકેટે 35 રન બનાવી લીધા છે. દિવસના અંતે ડેન એલ્ગર 11 અને કેગન પીટરસન 14 રન બનાવી ક્રિઝ પર છે.
શમીએ ભારતને અપાવી એક સફળતા
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આફ્રિકાને પ્રથમ ઝટકો આપ્યો હતો. શમીએ એડન માર્કરમને 7 રને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો.
આ પણ વાંચોઃ ખતમ થઈ ગયું ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓનું ટેસ્ટ કરિયર? ટીમના દરવાજા લગભગ બંધ
ભારતની પ્રથમ ઈનિંગ
ભારતે મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. મયંક 26 રન બનાવી માર્કો જેનસનની ઓવરમાં આઉટ થયો હતો. તો ચેતેશ્વર પુજારા ફરી ફ્લોપ રહ્યો હતો. પુજારાએ 33 બોલનો સામનો કરતા માત્ર 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ અજિંક્ય રહાણે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. રહાણે પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર માત્ર એક બોલનો સામનો કરી આઉટ થયો હતો. ઓલિવિયરે એક જ ઓવરમાં રહાણે અને પુજારાને પેવેલિયન પરત મોકલી દીધા હતા. આ મેચમાં કોહલીના સ્થાને હનુમા વિહારીને તક આપવામાં આવી હતી, જે માત્ર 20 રન બનાવી આઉટ થયો હતો.
કેએલ રાહુલને ફરી શાનદાર પ્રદર્શન કરતા 50 રન બનાવ્યા હતા. રાહુલ અડધી સદી પૂરી કરી રબાડાનો શિકાર બન્યો હતો. મોહમ્મદ શમી 9 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને શાનદાર બેટિંગ કરી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. અશ્વિન 46 રન બનાવી આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજ એક રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહે અણનમ 14 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો જેનસને ચાર, રબાડા તથા ઓલિવિયરને ત્રણ-ત્રણ સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube