India vs South Africa: ન્યૂઝીલેન્ડમાં થયેલા પરાજયને ભુલીને નવી શરૂઆત કરવા ઉતરશે ભારત
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં થયેલા પરાજયને ભુલીને ધર્મશાળામાં જીતની સાથે પ્રારંભ કરવા ઈચ્છશે. ભારતે ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝમાં 0-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ જીતીને અહીં પહોંચી છે.
ધર્મશાળાઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ક્લીન સ્વીપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાની સાથે રમાનારી પ્રથમ વનડે મેચમાં વિજયી શરૂઆત કરવા મેદાન પર ઉતરશે.
બીજીતરફ દક્ષિણ આફ્રિકાએ ડિ કોકની આગેવાનીમાં પાછલી વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3-0થી ક્લીન સ્વીપ હાંસિલ કરી હતી. દક્ષિણ આફ્રિકાની 2019 વિશ્વકપ બાદથી તમામ ફોર્મેટમાં સાત સિરીઝ બાદ આ પ્રથમ સિરીઝ જીત હતી.
ભારતને પડશે રોહિતની ખોટ?
યજમાન ભારતને આ સિરીઝમાં પોતાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની સેવાઓ મળશે નહીં. રોહિત હજુ પણ કાલ્ફ ઇંજરીનો સામનો કરી રહ્યો છે. રોહિત ન્યૂઝીલેન્ડની સાથે ટી20 સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી. રોહિત ન હોવાથી કેપ્ટન વિરાટ કોહલી પર બેટિંગમાં વધારાની જવાબદારી હશે, જે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર નિષ્ફળ રહ્યો હતો અને કોહલીની નિષ્ફળતાને કારણે ભારતને વનડે અને ટેસ્ટ સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર શાનદાર ફોર્મમાં હતા. હવે તેમની પાસે આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવાની તક હશે.
શો કે ગિલ કરી શકે છે ઈનિંગની શરૂઆત
રોહિતની ગેરહાજરીમાં પૃથ્વી શો અને શુભમન ગિલમાંથી કોઈ એક શિખર ધવનની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરમાં રમાયેલી વનડે સિરીઝ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. તે ન્યૂઝીલેન્ડના પ્રવાસથી બહાર રહ્યો હતો. ધવન હવે ટી20 વિશ્વકપ પહેલા શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાની જગ્યા મજબૂત કરવા ઈચ્છશે.
મહિલા વનડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર, નોકઆઉટ મેચમાં રિઝર્વ-ડેની જોગવાઈ
પંડ્યાની વાપસી
હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર ઘણા લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહ્યાં છે. હાર્દિક અને લોઅર બેકમાં દર્દને કારણે ટીમમાંથી હટવું પડ્યું હતું. પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહ્યા બાદ હાર્દિક સર્જરીના માધ્યમથી ફિટ થયો છે.
રબાડા વગર દક્ષિણ આફ્રિકા
બીજીતરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયાના સૂપડા સાફ કર્યા બાદ વધુ ઉત્સાહિત જોવા મળી રહી છે. ટીમની પાસે જાનેમન મલાન, હેનરિક ક્લાસેન અને જોન જોન સ્મટસના રૂપમાં એવા બેટ્સમેન છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટો સ્કોર કરી ચુક્યા છે. બોલિંગમાં તેને કગિસો રબાડાની ખોટ પડશે. તેવામાં ટીમ લુંગી એનગિડી અને એનરિક નોર્ત્જે પર નજર રહેશે. ભારતે ધર્મશાળામાં અત્યાર સુધી ચાર વનડે મેચ રમી છે, તેમાંથી બે જીતી અને બે હારી છે. ધર્મશાળાની ફાસ્ટ પિચ અને ત્યાં વધુ સ્કોર બનવાની સંભાવના છે.
ટીમોઃ ભારત- શિખર ધવન, પૃથ્વી શો, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ.
દક્ષિણ આફ્રિકાઃ ક્વિન્ટન ડિ કોક (કેપ્ટન), ટેમ્બા બવુમા, રાસી વેન ડેર ડુસેન, ફાફ ડુ પ્લેસિસ, કાઇલ વેરિએને, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, જોન-જોન સ્મટસ, એન્ડિલે ફેહલુકવાયો, લુંગી એનગિડી, લુથો સિપામલા, બ્યૂરેન હેન્ડ્રિક્સ, એનરિક નોર્ત્જે, જોર્જ લિન્ડે, કેશવ મહારાજ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube