INDvsSA: મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, કરી સહેવાગની બરોબરી
મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે. રોહિત શર્માએ પણ આ મેચમાં 176 રન ફટકાર્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal)એ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ધમાકેરાદ બેટિંગ કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેણે વિઝાગમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે તેણે વીરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરોબરી પણ કરી લીધી છે. તે દેશનો માત્ર બીજો ઓપનર છે, જેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બેવડી સદી ફટકારી છે. આ તેની ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ છે. આ રીતે તેણે ભારતમાં રમેલી પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે.
યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે વિશાખાપટ્ટનમાં બુધવારથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ભારતના બંન્ને ઓપનરોએ સદી ફટકારી છે. રોહિત શર્મા દુર્ભાગ્યપૂર્ણ રહ્યો અને તે મેચના બીજા દિવસે ગુરૂવારે 176 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ મયંક અગ્રવાલે તક ન ગુમાવતા બેવડી સદી ફટકારી દીધી હતી.
કર્ણાટકના મયંક અગ્રવાલે બીજા દિવસે ટી-બ્રેક પહેલા પોતાની બેવડી સદી પૂરી કરી હતી. મયંક અગ્રવાલે 371 બોલનો સામનો કરતા 23 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 215 રન બનાવ્યા હતા. તે ડેન એલ્ગરનો શિકાર બન્યો હતો.
28 વર્ષીય મયંક અગ્રવાલ આફ્રિકા વિરુદ્ધ બેવડી સદી ફટકારનાર માત્ર બીજો ભારતીય છે. તેની પહેલા માત્ર વીરેન્દ્ર સહેવાગે આ સિદ્ધિ મેળવી હતી. વીરૂએ ત્યારે 319 રન ફટકાર્યા હતા.
મયંક અગ્રવાલ પોતાના કરિયરની માત્ર પાંચમી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે પાછલા વર્ષે ડિસેમ્બરમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં પર્દાપણ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ઈનિંગમાં 76 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 44 રન બનાવ્યા અને ત્યારબાદ સિડની ટેસ્ટમાં 77 રનની ઈનિંગ રમી હતી.