કિંગસ્ટનઃ ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ (55) અને કેપ્ટન વિરાટ કોહલી (76)ની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. પ્રથમ દિવસના રમત પૂરી થવા પર ભારતે 5 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા છે. યુવા બેટ્સમેન રિષભ પંત (27) અને હનુમા વિહારી (42) ક્રીઝ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારતના બંન્ને ઓપનરોને આઉટ કર્યાં જ્યારે ચેતેશ્વર પૂજારાની વિકેટ પર્દાપણ કરી રહેલા રહકીમ કોર્નવાલને મળી હતી. ભારતે ઘાસવાળી પિચ પર લોકેશ રાહુલ (13), ચેતેશ્વર પૂજારા (6), મયંક અગ્રવાલ (55), કેપ્ટન વિરાટ કોહલી (76) અને અંજ્કિય રહાણે (24)ની વિકેટ ગુમાવી દીધી છે. મયંક અગ્રવાલે પોતાની અડધી સદી દરમિયાન 127 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 


આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રાહુલ અને અગ્રવાલે પ્રથમ અડધી કલાક કોઈ જોખમ ઉઠાવ્યા વિના પિચ પર પસાર કરી હતી. કેપ્ટન હોલ્ડરે સાતમી ઓવરમાં રાહુલની વિકેટ ઝડપીને પ્રથમ વિકેટ માટે 32 રનની ભાગીદારીને તોડી હતી. 


રાહુલ સ્લિપ ફીલ્ડરના હાથે કેચઆઉટ થયો હતો. રાહુલે 26 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ડ્રિંક્સ બ્રેક સમયે ટીમનો સ્કોર 13 ઓવરમાં એક વિકેટે 36 રન હતો. રાહુલ આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલ પૂજારા ફરી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 15મા બોલ પર ખાતું ખોલ્યું અને 25 બોલમાં 6 રન બનાવી આઉટ થઈ ગયો હતો. કોર્નવાલે પૂજારાની વિકેટ ઝડપીને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો શાનદાર પ્રારંભ કર્યો હતો.