IND vs WI 3rd ODI: ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, વે.ઈન્ડિઝના 3-0થી સૂપડાં સાફ
IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારે રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 119 રનના વિશાળ અંતરથી હરાવીને સિરીઝમાં તેમના 3-0થી સૂપડાં સાફ કરી નાખ્યા.
IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારે રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 119 રનના વિશાળ અંતરથી હરાવીને સિરીઝમાં તેમના 3-0થી સૂપડાં સાફ કરી નાખ્યા. ભારતની બેટિંગ ચાલતી હતી ત્યારે મેચ વરસાદના કારણે બે વાર અટકી હતી. જેને પગલે ભારત 36 ઓવર જ રમી શક્યું. આ દરમિયાન ભારતે ત્રણ વિકેટના નુકસાન પર 225 રન કર્યા હતા. ઓપનર શુભમન ગિલ 98 રન પર અણનમ રહ્યો. સદી ફટકારવાનું તેનું સપનું અધુરુ રહી ગયું. જો સદી થાત તો ગિલની આ વનડે કરિયરની પહેલી સદી હોત.
ભારતે ટોસ જીતીને લીધી હતી બેટિંગ
મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. પોર્ટ ઓફ સ્પેનમાં ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા બંને ઓપનર શુભમન ગિલ અને શિખર ધવને સારી શરૂઆત આપી હતી. શિખર ધવન 58 રન કરીને આઉટ થયો. શ્રેયસ ઐય્યર 44 રન કરીને પાછો ફર્યો. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ કઈ વધુ યોગદાન આપ્યા વગર 8 રને જ આઉટ થઈ ગયો હતો. આમ ભારત વરસાદના વિધ્નના કારણે 36 ઓવરમાં 225 રન જ કરી શક્યું.
ડકવર્થ લૂઈસ નિયમ હેઠળ મળ્યો હતો આ ટાર્ગેટ
વરસાદને ભારતીય ટીમ 36 ઓવરમાં 225 રન કરી શકી. મેચમાં બેવાર આવેલા વરસાદના વિધ્નના કારણે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે ડકવર્થ લૂઈસ નિયમ અંતર્ગત સંશોધિત ટાર્ગેટ બાદ 35 ઓવરમાં 257 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ ઈનિંગની બીજી જ ઓવરમાં મોહમ્મદ સિરાજે ઉપરાઉપરી બે વિકેટ લીધી અને ત્યારબાદ તો સમયાંતરે વિકેટ પડતી રહી. વચ્ચે બ્રેન્ડન કિંગ અને કેપ્ટન નિકલોસ પૂરને 42-42 રનનું યોગદાન આપ્યું પરંતુ સતત વધતા રનરેટથી સ્પષ્ટ હતું કે તેઓ હારેલી લડાઈ લડી રહ્યા હતા. આ બંનેની વિકેટ પડતા શાર્દુલ અને ચહલે વેસ્ટ ઈન્ડિઝની ટીમને પત્તાની જેમ વેરવિખેર કરી નાખી. આખી ટીમ 26 ઓવરમાં 137 રને ઓલઆઉટ થઈ ગઈ. ચહલે ચાર વિકેટ અને શાર્દુલ તથા સિરાજે બે-બે વિકેટ લીધી. અક્ષર પટેલ અને કૃષ્ણાને એક-એક વિકેટ મળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube