India vs West Indies 3rd T20: ક્લીન સ્વીપ કરવાના ઈદારાથી ઉતરશે ભારતીય ટીમ
રવિવારે થયેલા વરસાદ બાદ કોહલીએ કહ્યું, `સિરીઝ જીતાથી અન્ય ખેલાડીને રમાડવાની તક મળી શકે છે. હંમેશા યોજના પહેલા જીતની હોય છે, પરંતુ પ્રથમ બે મેચ જીતવાથી ટીમમાં ફેરફાર કરવાની તક મળી છે.`
ગયાનાઃ સિરીઝ પર કબજો જમાવી ચુકેલી ભારતીય ટીમ મંગળવારે અહીં ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વ્હાઇટ વોશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં પ્રયોગ કરવાની પણ સંભાવના છે. ભારતે રવિવારે બીજી ટી20 મેચ 22 રનથી જીતી, જેથી અમેરિકીમાં રમાયેલી સિરીઝની પ્રથમ બે મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ હાસિલ કરી લીધી હતી.
પ્રથમ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, પરંતુ વિરાટ કોહલી અને તેની ટીમે બીજી મેચમાં દમદાર વાપસી કરતા પોતાનો દબદબો મેળવ્યો હતો. પરંતુ વરસાદ અને ખરાબ હવામાનને કારણે મેચમાં વિઘ્ન પડ્યું અને પરિણામ ડકવર્થ-લુઇસ નિયમથી આવ્યું હતું. સિરીઝમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ અંતિમ ટી20 મેચમાં બહાર બેઠેલા ખેલાડીઓને તક આપી શકે છે.
રવિવારે થયેલા વરસાદ બાદ કોહલીએ કહ્યું, 'સિરીઝ જીતાથી અન્ય ખેલાડીને રમાડવાની તક મળી શકે છે. હંમેશા યોજના પહેલા જીતની હોય છે, પરંતુ પ્રથમ બે મેચ જીતવાથી ટીમમાં ફેરફાર કરવાની તક મળી છે.'
તેમાં કોઈ આશ્ચર્ય નથી કે સંઘર્ષ કરી રહેલા રિષભ પંતની જગ્યાએ અંતિમ ઇલેવનમાં કેએલ રાહુલને સામેલ કરવામાં આવી શકે છે. દિલ્હીનો યુવા બેટ્સમેન પંતે પ્રથમ બે મેચમાં શૂન્ય અને ચાર રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ પંતનો બચાવ કર્યો અને 21 વર્ષના આ ઉભરતા સિતારાને વધુ એક તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. ન તો રોહિત શર્મા કે શિખર ધવનને આરામ અપાય તેવી શક્યતા છે. અંગૂઠાની ઈજા બાદ વાપસી કરનાર ધવન પ્રથમ બે મેચમાં ખુબ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તે વનડે અને ટેસ્ટ પહેલા મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહિત હશે.
તેવી પણ સંભાવના છે કે, ચહર બ્રધર્સને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો બંન્ને ભાઈને અંતિમ ઇલેવનમાં તક મળે તો જાડેજા અને નવદીપ સૈનીને બહાર બેસાડવામાં આવી શકે છે.
યજમાન ટીમનું પ્રદર્શન આ સિરીઝમાં ખરાબ રહ્યું છે. તેને ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં સૌથી મજબૂત માનવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી તે પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. કીરણ પોલાર્ડ અને પોવેલને છોડીને કોઈ અન્ય બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નથી. બોલિંગ પણ વિરોધી ટીમ માટે ચિંતાનો વિષય છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અંતિમ મેચમાં વિજય મેળવીને સિરીઝની સમાપ્તિ કરવા માટે પ્રયત્ન કરશે.
ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની.
વેસ્ટ ઈન્ડિઃ જોન કૈમ્પબેલ, ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, સુનીલ નરેન, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ, એંથની બ્રામ્બલે, જેસન મોહમ્મદ, ખારે પિયરે.