ફ્રી પાસ વિવાદઃ હવે ઈન્દોરમાં નહીં, વિશાખાપટ્ટનમમાં રમાશે બીજી વનડે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણી રમાવાની છે. 24 ઓક્ટબરે રમાનારી બીજી વનડે ઈન્દોરથી સ્થાણાંતરીત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની શ્રેણીનો બીજો વનડે વિશાખાપટ્ટનમના ડો વાઇએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીએસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈએ બુધવારે તેની જાહેરાત કરી હતી.
પહેલા આ વનડે 24 ઓક્ટોબરે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી. પરંતુ બીસીસીઆઈ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન વચ્ચે ફ્રી પાસની વહેંચણીને લઈને વિવાદને કારણે ઈન્દોરે યજમાની ગુમાવી દીધી છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણીનો કાર્યક્રમ આ પ્રકારે છે
21 ઓક્ટોબરઃ પ્રથમ વનડે, ગુવાહાટી
24 ઓક્ટોબરઃ બીજી વનડે, વિશાખાપટ્ટનમ
27 ઓક્ટોબરઃ ત્રીજી વનડે, પુણે
29 ઓક્ટોબરઃ ચોથી વનડે, મુંબઈ
1 નવેમ્બરઃ પાંચમી વનડે, તિરૂવનંતપુરમ
શું હતો વિવાદ
બીસીસીઆઈ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન વચ્ચે ફ્રી પાસ વિતરણને લઈને વિવાદને કારણે આ મેચનો ઈન્દોરથી સ્થાણાંતરીત કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈના નવા બંધારણ પ્રમાણે દેશના કોઈપણ સ્ટેડિયમના કુલ દર્શક ક્ષમતાના માત્ર 10 ટકા ટિકિટ આયોજકો અને અન્ય લોકોને ફ્રીમાં વહેંચી શકાય છે.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા આશરે 27000ની છે, જેમાં પેવેલિયન બ્લોક અને ગેલેરી સહિત તમામ શ્રેણીઓની ટિકિટ સામેલ છે. એટલે કે નિયમ પ્રમાણે એમપીસીએ વધુમાં વધુ 2700 ટિકિટ ફ્રીમાં આપી શકે છે.
એસપીસીએના સચિવે કહ્યું હતું કે હોલ્કર સ્ટેડિયમના પેવેલિયન બ્લોકમાં આશરે 7200 સીટો છે. જેથી નક્કી કરાયેલી પદ્ધતિ મુજબ અને 720 ટિકિટોથી વધુની વ્યવસ્થા નહીં કરી શકીએ. અમારે અમારા સભ્યો અને વિવિધ સરકારી એજન્સીઓની ટિકિટોની માંગને પણ પૂરી કરવાની હોય છે.
આખરે મામલાનો ઉકેલ ન આવતા બીસીસીઆઈએ આ મેચ કોઈ અન્ય શહેર (વિશાખાપટ્ટનમ)માં યોજવાનું નક્કી કર્યું છે.