વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ પર ભારતનો દબદબો, 40 વર્ષમાં આવો રહ્યો છે રેકોર્ડ
ભારત વિશ્વ કપ 2019મા અત્યાર સુધી એકપણ મેચ હાર્યું નથી. ભારતે વિશ્વકપમાં અત્યાર સુધી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને ધૂળ ચટાવી છે.
માનચેસ્ટરઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019નો મુકાબલો કાલે એટલે કે 27 જૂને માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. પોઈન્ટ ટેબલમાં ભારત 5 મેચોમાં 9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત આ વિશ્વકપમાં અત્યાર સુધી એકપણ મેચ હાર્યું નથી. ભારતે વિશ્વકપ 2019મા અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને ધૂળ ચટાવી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે. વિશ્વ કપની વાત કરીએ તો કેરેબિયન ટીમ પર ભારતનો દબદબો રહ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 1979થી લઈને અત્યાર સુધી 40 વર્ષોમાં વિશ્વકપમાં 8 વખત આમને-સામને થયા છે જેમાંથી 5 વખત ભારતીય ટીમે બાજી મારી છે. જ્યારે 3 મેચોમાં કેરેબિયન ટીમને જીત હાસિલ થઈ છે.
વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
9 જૂન 1979- વેસ્ટ ઈન્ડિઝ 9 વિકેટથી જીત્યું, બર્મિંઘમ
9 જૂન 1983- ભારત 34 રનથી જીત્યું, માનચેસ્ટર
15 જૂન 1983 - વેસ્ટ ઈન્ડિઝ 66 રનથી જીત્યું, ધ ઓવલ
25 જૂન 1983- ભારત 43 રનથી જીત્યું, લોર્ડ્સ
10 માર્ચ 1992, વેસ્ટ ઈન્ડિઝ 5 વિકેટથી જીત્યું, વેલિંગ્ટન
21 ફેબ્રુઆરી 1996- ભારત 5 વિકેટથી જીત્યું, ગ્વાલિયર
20 માર્ચ 2011- ઈન્ડિયા 80 રનથી જીત્યું, ચેન્નઈ
6 માર્ચ 2015- ભારત 4 વિકેટથી જીત્યું, પર્થ
ભારત વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 1996થી હાર્યું નથી. 23 વર્ષથી ટીમ ઈન્ડિયાનો વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ પર દબદબો રહ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 1983 વિશ્વકપ ફાઇનલ ખુબ યાદગાર રહી હતી. ત્યારે ભારતે મજબૂત ગણાતી કેરેબિયન ટીમને હરાવીને પ્રથમ વખત વિશ્વ કપ કબજે કર્યો હતો.
વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મુકાબલામાં ધોની પર નજર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિશ્વ કપ 2019નો મુકાબલો તે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. માનચેસ્ટરમાં હવામાન ફરી એકવાર ફેન્સને પરેશાન કરી શકે છે. રવિવારથી માનચેસ્ટરમં હળવો વરસાદ થઈ રહ્યો છે અને મંગળવારે દિવસભર વરસાદ આવ્યો હતો. વરસાદને કારણે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ સેશન રદ્દ થવાને કારણે ઇન્ડોર અભ્યાસ કર્યો હતો.
પરંતુ સ્થાનીક હવામાન વિભાગે આગામી બે દિવસ હવામાન સારૂ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુરૂવારે તડકો નિકળશે અને કોઈપણ વિઘ્ન વગર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 50 ઓવરોની મેચ રમાશે.