INDvsWI : વેસ્ટ ઇન્ડિઝના 295/7, શાર્દુલ ઠાકુરનું ટેસ્ટમાં પદાર્પણ
બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ટોસ જીતીને વેસ્ટઈન્ડિઝે બેટિંગ પસંદ કરી હતી, ભારત તરફથી ઉમેશ યાદવ અને કુલદીપે 3-3 વિકેટ લીધી
હૈદરાબાદ: ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે રમાઇ રહેલી બીજી અને સીરીઝની અંતિમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 7 વિકેટ ગુમાવી ચૂકી હતી અને 295 રન બનાવ્યા છે. ભારત તરફથી ઉમેશ યાદવ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે અશ્વીને 1 વિકેટ લીધી હતી.
રાજકોટ ખાતેની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારો રોસ્ટ ચેઝ 98 રને અને દેવેન્દ્ર બિશૂ 2 રને રમતમાં છે. રોસ્ટન ચેઝ અને જેસન હોલ્ડરની 100થી વધુ રનની મહત્વપૂર્ણ ભાગીદારીએ વેસ્ટ ઈન્ડિઝનો ધબડકો ટાળ્યો હતો.
આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 11મી ઓવરમાં 32ના ટીમ સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝના ઓપર કિરણ પોવેલની વિકેટ પડી હતી. તેના થોડા સમય બાદ જ ઓપનર ક્રેગ બ્રાથવેઈટ પણ 52ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
ત્યાર બાદ નિયમિત અંતરાલ પર વેસ્ટ ઈન્ડિઝની વિકેટો પડતી ગઈ હતી. તેના પ્રથમ 5 ખેલાડીમાં માત્ર શાઈ હોપ જ 36 રન બનાવી શક્યો હતો.
ભારત તરફથી ઉમેશ યાદવ અને કુલદીપ યાદવ સફળ બોલર રહ્યા હતા. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને 1 વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર વિકેટ મેળવવામાં સફળ થઈ શક્યા ન હતા.
શાર્દુલ ઠાકુરને મળી ટેસ્ટ કેપ
ટીમ ઈન્ડિયામાં શાર્દુલ ઠુકરને ટેસ્ટ કેપ મળી છે. તે ભારતનો ટેસ્ટ રમનારો 294મો ખેલાડી બન્યો છે. ટીમના કોચ રવિ શાસ્ત્રીએ શાર્દુલને ટેસ્ટ કેપ પહેરાવી હતી. ટેસ્ટ કેપ મળતાં શાર્દુલ ભાવુક થઈ ગયો હતો અને તેણે કેપને ચુમી લીધી હતી. જોકે, શાર્દુલ સાથે કમનસીબી જોડાયેલી હોય એમ તેને માત્ર 10 બોલ ફેંકીને મેદાનની બહાર જવું પડ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી ઓવરના ચોથો બોલ નાખ્યા બાદ તેની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. શાર્દુલની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી.
અત્યાર સુધી ચાર ખેલાડીએ કર્યું પદાર્પણ
ભારતે ઈંગ્લેન્ડ શ્રેણીથી માંડીને અત્યાર સુધી ચાર ખેલાડીઓ ઋષભ પંત, હનુમા વિહારી, પૃથ્વી શો અને શાર્દુલને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણની તક આપી છે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), અંજિક્ય રહાણે (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર
વેસ્ટઇન્ડિઝ : જેસન હોલ્ડર (કેપ્ટન), સુનીલ અમ્બીરસ, દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રેથવેટ, રોસ્ટન ચેસ, શોન ડોવરિચ, શેનન ગૈબ્રિએલ, શિમરોન હેટમાયેર, શાઇ હોપ, કેરન પાવેલ, જોમેલ વારિકન અને કેમર રોચ
સ્પોર્ટ્સ સમાચાર માટે અહીં ક્લિક કરો