નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો છે. કોહલી વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ મેચ પહેલા વિરાટ કોહલીના નામે 212 મેચોની 204 ઈનિંગમાં 9919 રન હતા. તેણે વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચવા માટે 81 રનની જરૂર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિશાખાપટ્ટનમ મેચ દરમિયાન બુધવારે તેણે ઈનિંગની 37મી ઓવરમાં એશ્લે નર્સના બોલ પર આ સિદ્ધિ મેળવી છે. કોહલીએ માત્ર 205 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકરે 31 માર્ચ 2001ના દિવસે 259 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. આ પ્રમાણે વિરાટે સચિન કરતા 54 ઈનિંગ ઓછી રમી છે. 


સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરવામાં ત્રીજા સ્થાન પર ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી છે, તેણે 263 ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. 18 ઓગસ્ટ 2008ના શ્રીલંકા વિરુદ્ધ પોતાના વનડે કેરિયરની શરૂઆત કરનાર કોહલીએ જાન્યુઆરી 2017માં સીમિત ઓવરમાં કેપ્ટનશિપ સંભાળી હતી. 


વનડે ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે, જેના કુલ 18426 રન છે. ત્યારબાદ શ્રીલંકાના કુમાર સાંગાકારા (14234), ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (13704), સનથ જયસૂર્યા (13340) અને માહેલા જયવર્ધને (12650) તથા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંજમામ-ઉલ-હલ (11739) રન છે. 


સૌથી વધુ રન બનાવનારા ભારતીયોની યાદીમાં સચિન બાદ ગાંગુલીનો નંબર છે, જેણે 11363 અને દ્રવિડે 10889 રન બનાવ્યા છે. ધોનીના 10123 રન છે.