એન્ટીગુઆઃ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 50 રને હરાવી સતત બીજી જીત મેળવી છે. સુપર-8માં આ ભારતને બીજી જીત છે અને રોહિત સેનાની સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. જ્યારે સતત બીજી હાર સાથે બાંગ્લાદેશની સફર સમાપ્ત થઈ ગઈ છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 196 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 146 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ સેમીફાઈનલમાં
ભારતીય ટીમે સુપર-8માં બે મેચ રમી છે અને બે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના 4 પોઈન્ટ છે અને નેટ રનરેટ પણ ખુબ સારી છે. ભારતે સુપર-8માં પોતાની અંતિમ મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. એટલે કે સુપર-8ના ગ્રુપ-1માંથી ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સેમીમાં પ્રવેશ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા કાલે અફઘાનિસ્તાનને હરાવી દેશે તો સેમીમાં તેની ટિકિટ પણ કન્ફર્મ થઈ જશે. 


બાંગ્લાદેશની ઈનિંગ, કેપ્ટન શાંતોએ બનાવ્યા સૌથી વધુ રન
ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. બાંગ્લાદેશને 35 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. લિટન દાસ 13 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. તંઝીદ હસને 29 રન બનાવ્યા હતા. તે કુલદીપનો શિકાર બન્યો હતો.


બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ 32 બોલમાં 1 ફોર અને ત્રણ સિક્સની મદદથી 40 રનન ફટકાર્યા હતા. જસપ્રીત બુમરાહે શાંતોને આઉટ કર્યો હતો. હ્રદોય 4 રન બનાવી તો શાકિબ 11 રન બનાવી આઉટ થયા હતા. આ બંને સફળતા કુલદીપને મળી હતી. જાકેર અલી 1 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો હતો. 


ભારત તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 19 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 13 રન આપી બે તો અર્શદીપ સિંહે 4 ઓવરમાં 30 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.


આ પણ વાંચોઃ ICCના કારણે તૂટી શકે છે ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું, જાણો શું છે આ નિયમ


આવી રહી ભારતની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીનો અંત ચોથી ઓવરના ચોથા બોલ પર કેપ્ટન રોહિતની વિકેટથી થયો હતો. રોહિત 11 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 23 રન બનાવી આઉટ થયો હતો. પછી બીજી વિકેટ માટે વિરાટ કોહલી અને રિષભ પંતે 32 રનની પાર્ટનરશિપ કરી હતી. નવમી ઓવરમાં કોહલી તંઝીમ હસન શાકિબની ઓવરમાં બોલ્ડ થયો હતો. કોહલી 37 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો.


ત્યારબાદ 12મી ઓવરના ચોથા બોલ પર રિષભ પંત રિવર્સ સ્વીપ લગાવવાના પ્રયાસમાં આઉટ થયો હતો. પંતે 24 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 36 રન બનાવ્યા હતા. પાંચમી વિકેટ માટે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ 53 રનની ભાગીદારી કરી હતી. દુબે 24 બોલમાં 3 સિક્સની મદદથી 34 રન બનાવી આઉટ થયો હતો. 


પછી હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે છઠ્ઠી વિકેટ માટે 35* રનની અણનમ ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 50 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે અક્ષર પટેલે 5 બોલમાં 3 રન બનાવ્યા હતા.


બાંગ્લાદેશની બોલિંગ
બાંગ્લાદેશ માટે તંઝીમ હસન શાકિબ અને રિશદ હુસૈને બે-બે વિકેટ લીધી હતી. તંઝીમે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. જ્યારે એક વિકેટ શાકિબ અલ હસનને મળી હતી.