સુરતઃ કેપ્ટન હરમનપ્રી કૌરની ઉપયોગી ઈનિંગ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની શાનદાર બોલિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં મંગળવારે અહીં 11 રનથી રોમાંચક જીત મેળવી હતી. હરમનપ્રીતે 34 બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય સ્મૃતિ મંધાનાએ 21, જેમિમા રોડ્રિગ્સે 19 અને દીપ્તિ શર્માએ 16 રનનું યોગદાન આપ્યું જેથી પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મેળવનારી ભારતીય ટીમે આઠ વિકેટ પર 130 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમ મિનગાન ડુ પ્રીઝ (59)ની અડધી સદી છતાં 19.5 ઓવરમાં 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


ડુ પ્રીઝ સિવાય લિજલી લી (16) અને લોરા વોલવાર્ટ (14) જ બે આંકડાના સ્કોરમાં પહોંચી શકી હતી. ભારત તરફથી ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ત્રણ ઓવર મેડન ફેંકી હતી. શિખા પાંડેએ 18 રન આપીને બે, લેગ સ્પિનર પૂનમ યાદવે 25 રન આપીને બે અને રાધા યાદવે 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી.