AUSvsIND: અંતિમ વનડે જીતી વિરાટ સેનાએ આબરૂ બચાવી, ઓસ્ટ્રેલિયાએ 2-1થી સિરીઝ કરી કબજે
ભારતને આખરે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જીત મળી છે. કેનબરા વનડેમાં રમાયેલી અંતિમ વનડેમાં ભારતે કાંગારૂ ટીમને 13 રને હરાવ્યું છે.
કેનબરાઃ હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની શાનદાર અડધી સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે અહીં રમાયેલી ત્રણ મેચોની સિરીઝની અંતિમ વનડેમાં યજમાન ઓસ્ટ્રેલિયાને 13 રને પરાજય આપી વ્હાઇટવોશ ટાળ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કાંગારૂ ટીમ 49.2 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. હવે બંન્ને ટીમો વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થશે.
ભારતને પાંચ વનડેમાં હાર બાદ મળી જીત
ભારતીય ટીમે સળંગ પાંચ વનડે ગુમાવ્યા બાદ આ જીત મેળવી છે. આ પહેલા ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ 3-0થી હાર્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ બે વનડે પણ ભારતે ગુમાવી હતી.
India vs Australia: વિરાટ કોહલીએ તોડ્યો Sachin Tendulkar નો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે વધુ એક અડધી સદી ફટકારી હતી. ફિન્ચની આ સિરીઝમાં ત્રીજી અડધી સદી છે. તેણે 82 બોલમાં 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે 38 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 59 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથ માત્ર 7 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. માર્નસ લાબુશેન 7ને નટરાજને આઉટ કર્યો હતો. હેનરિક્સે 22 અને કેમરન ગ્રીને 21 રનનું યોગદાન આપ્યું હતું. એલેક્સ કેરી 38 રન બનાવી રનઆઉટ થયો હતો. એશ્ટન અગોરે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3, બુમરાહ અને ટી નટરાજને બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય જાડેજા અને કુલદીપને એક-એક સફળતા મળી હતી.
કેનબરા વનડેઃ પંડ્યા અને જાડેજાનો કમાલ, પાર્ટનરશિપમાં બનાવ્યો 'રેકોર્ડ'
ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 302 રન
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 302 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે હાર્દિક પંડ્યા (અણનમ 92 રન, 76 બોલ, 7 ફોર, 1 સિક્સ) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 66 રન, 50 બોલ, 5 ફોર, ત્રણ સિક્સ)એ છઠ્ઠી વિકેટની 150 રનની અણનમ ભાગીદારીની મદદથી સિરીઝમાં સતત ત્રીજીવાર 300નો સ્કોર પાર કર્યો હતો.
એક સમયે ટીમ ઈન્ડિયાએ 32મી ઓવરમાં 152 રન પર પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે 250નો સ્કોર પણ મુશ્કેલ લાગી રહ્યો હતો. પરંતુ પંડ્યા અને જાડેજાએ ભારતને વિજયી સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક અડધી સદી ફટકારતા 63 રન બનાવ્યા હતા. તો શુભમન ગિલે 33 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્ટન અગરે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય હેઝલવુડ, સેન અબોટ અને ઝમ્પાને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube