IND vs NZ: ગિલની સદી બાદ બોલરોનો કહેર, ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, 2-1થી શ્રેણી કરી કબજે
IND vs NZ 3rd T20: ભારતે ત્રીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રને કારમો પરાજય આપી ત્રણ મેચની સિરીઝ કબજે કરી લીધી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી.
અમદાવાદઃ શુભમન ગિલ (126*) ની આકર્ષક સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં મહેમાન ન્યૂઝીલેન્ડને રને પરાજય આપી શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. પ્રથમ ટી20 મેચ હાર્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી અને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં વધુ એક સિરીઝ જીતી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ગિલની સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 234 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 66 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડના બેટરોનું નિરાશાજનક પ્રદર્શન
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમનો ધબડકો થઈ ગયો હતો. પ્રથમ ઓવરમાં હાર્દિક પંડ્યાએ ફિન એલેન (3) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. બીજી ઓવરમાં અર્શદીપ સિંહે કોનવે (1) અને ચેમ્પમેન (0) ને આઉટ કરીને કીવી ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે સાત રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
માઇકલ બ્રેસવેલ પણ 8 રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. કેપ્ટન મિચેલ સેન્ટનર 13 બોલમાં 13 રન બનાવી શિવમ માવીની ઓવરમાં આઉટ થયો હતો. ઈશ સોઢી ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ફર્ગ્યુસન (0) ની વિકેટ હાર્દિક પંડ્યાએ ઝડપી હતી. ડેરેલ મિચેલ 35 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહે 16 રન આપી બે, ઉમરાન મલિકે 9 રનમાં 2 અને શિવમ માવીએ 12 રન આપી બે વિકેટ લીધી હતી.
શુભમન ગિલની ધમાકેદાર સદી
છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં રહેલા યુવા ઓપનર શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. શુભમન ગિલે શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. ગિલે 63 બોલમાં 12 ચોગ્ગા અને 7 સિક્સ સાથે અણનમ 126 રન ફટકારી દીધા હતા. ન્યૂઝીલેન્ડના દરેક બોલર ગિલ સામે વામણા પૂરવાર થયા હતા. આ સાથે શુભમન ગિલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (વનડે, ટેસ્ટ, ટી20) માં સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલાં ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના અને વિરાટ કોહલી સદી ફટકારી ચુક્યા છે.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતી ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ આક્રમક 44 રન ફટકાર્યા હતા. ત્રિપાઠીએ 22 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 1 ફોર અને બે સિક્સ સાથે 24 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 30 રન બનાવી આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube