INDvsSL: ભારતે શ્રીલંકાને 78 રને હરાવ્યું, સિરીઝ 2-0થી કરી કબજે
ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાને 78 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચોની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.
પુણેઃ પુણેમાં રમાયેલી ત્રણ મેચોની ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને 78 રને પરાજય આપીને સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે. આ સાથે ભારતીય ટીમે નવા વર્ષનો પ્રારંભ સિરીઝ વિજય સાથે કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 15.5 ઓવરમાં 123 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકા 123 રનમાં ઓલઆઉટ
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને બુમરાહે પ્રથમ ઓવરમાં ભારતને સફળતા અપાવી હતી. તેણે ગુણાથિલાકાને આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં શાર્દુલ ઠાકુરે અવિષ્કા ફર્નાન્ડો (9)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.
શ્રીલંકાની ટીમને ત્રીજો ઝટકો ઓશાને ફર્નાન્ડોના રૂપમાં લાગ્યો જે 2 રન બનાવી આઉટ થયો હતો. કુસલ પરેરાને નવદીપ સૈનીએ બોલ્ડ કર્યો હતો. તેણે માત્ર 5 રન બનાવ્યા હતા. મેથ્યૂઝે 20 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. તેને સુંદરે આઉટ કર્યો હતો.
મહેમાન ટીમને છઠ્ઠો ઝટકો દશુન શનાકાના રૂપમાં લાગ્યો જે 9 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ચહલે સીધા થ્રો દ્વારા હસરંગાને રન આઉટ કર્યો હતો. ટીમને આઠમો ઝટકો સંદાકનના રૂપમાં લાગ્યો જે 1 રન બનાવી વોશિંગટન સુંદરનો શિકાર બન્યો હતો.
ધનંજય ડિ સિલ્વા શ્રીલંકા તરફથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે 57 રન બનાવ્યા હતા. સૈનીએ અંતમાં મલિંગાને આઉટ કરીને ભારતની જીત પાક્કી કરી હતી. ભારત તરફથી સૈનીને 3, શાર્દુલ ઠાકુર, સુંદરને બે-બે વિકેટ મળી હતી.
ભારતે બનાવ્યા 201 રન
ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા અને શ્રીલંકાને જીતવા માટે 202 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારત માટે કેએલ રાહુલે 36 બોલમાં 54 રન ફટકાર્યા જ્યારે શિખર ધવને 36 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલ વિરાટ કોહલી (17 બોલમાં 26 રન) અને મનીષ પાંડે (18 બોલમાં અણનમ 31)એ પાંચમી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી.
અંતમાં શાર્દુલ ઠાકુરે 8 બોલમાં 22 રન ફટકારીને ટીમનો સ્કોર 200ને પાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાંડે અને ઠાકુરે 14 બોલમાં 37 રનની અણનમ ભાગીદારી કરી હતી. શ્રીલંકા તરફથી ચાઇનામેન લક્ષણ સંદાકના સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
શિખર ધવન અને કેએલ રાહુલની જોડીએ ભારતની તોફાની શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. ભારતની પ્રથમ ઈનિંગની 11મી ઓવરમાં લક્ષણ સંદકાનાએ શિખર ધવનને આઉટ કર્યો હતો. સંદકાનાએ શિખર ધવનને દાનુષ્કા ગુણાથિલકાના હાથે કેચ કરાવીને ભારતને પ્રથમ ઝટકો આવ્યો હતો.
ધવન 52 રન બનાવી આઉટ થયો હતો. સંજૂ સેમસનને કેપ્ટન કોહલીની જગ્યાએ ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પર છગ્ગો ફટકાર્યો અને ત્યારબાદ આઉટ થઈ ગયો હતો. રાહુલ 54 રન બનાવી આઉટ થયો હતો. સંદાકનાએ શ્રેયસ અય્યર (4)ને પણ જલદી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
કોહલીએ મેથ્યૂઝની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. વિકેટ વચ્ચે દોડવામાં માહિર ભારતીય કેપ્ટન બીજો રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. ત્યારબાદ અંતમાં શાર્દુલ અને પાંડેએ ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube