માનચેસ્ટરઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019ના હાઇ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 89 રને પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાની પરંપરા પણ યથાવત રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્મા (140), વિરાટ કોહલી (77), કેએલ રાહુલ (57)ની શાનદાર બેટિંગની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 336 રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમનો ટૂર્નામેન્ટમાં આ ત્રીજો વિજય છે અને ટીમ ચાર મેચોમાં સાત પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાનનો પાંમચી મેચમાં આ ત્રીજો પરાજય છે. તે ત્રણ પોઈન્ટ સાથે ટેબલમાં નવમાં સ્થાને છે. 


પાકિસ્તાનનો સ્કોર 35 ઓવરમાં 166/5 હતો ત્યારે વરસાદને કારણે ફરી મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે નવો સંશોધિત લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાને 40 ઓવરમાં 302 રન કરવાના હતા. 


ભુવીનો સ્પેલ પૂરો કરવા આવેલા શંકરે અપાવી સફળતા
ભારતને પ્રથમ સફળતા વિજય શંકરે અપાવી હતી. તે ભુવનેશ્વર કુમારની ઓવર પૂરી કરવા આવ્યો હતો. તેણે 5મી ઓવરના પાંચમાં બોલ પર ઇમામ ઉલ હકને LBW આઉટ કર્યો હતો. આ શંકરનો પ્રથમ બોલ હતો. વિશ્વકપમાં પર્દાપણ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ ઝડપનાર તે પહેલો ભારતીય છે. ભુવનેશ્વર કુમાર એડીમાં ઈજાને કારણે પાક સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. 


બાબર-ફખર વચ્ચે સદીની ભાગીદારી
પાકિસ્તાને 13 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ બાબર આઝમ અને ફખર જમાને ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન જમાને પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. પાકિસ્તાન ટીમનો સ્કોર 117 રન હતો ત્યારે કુલદીપ યાદવે બાબર આઝમ (48)ને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. બાબરે 57 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ કુલદીપે ફખર જમાન (62)ને પણ ચહલના હાથે કેચ કરાવીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. તેણે 75 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 


કુલદીપ-હાર્દિક અને શંકરની બે-બે વિકેટ
ભારત તરફથી કુલદીપ યાદવે 9 ઓવરમાં 32 રન આપીને બે, વિજય શંકરે 5.2 ઓવરમાં 22 રન આપીને બે તથા હાર્દિક પંડ્યાએ 8 ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


પાકિસ્તાનનો ધબડકો, 12 રનમાં ગુમાવી ચાર વિકેટ 
એક વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ઈનિંગને બાબર આઝમ અને ફખર જમાને સંભાળી પરંતુ કુલદીપ યાદવ બંન્નેની સદીની ભાગીદારીને તોડવામાં સફળ રહ્યો હતો. તેણે પહેલા બારને બોલ્ડ કર્યો હતો. પાકિસ્તાનની બીજી વિકેટ 117 રનના સ્કોર પર પડી. ત્યારબાદ 12 રનની અંદર પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવી દીધી. કુલદીપ અને હાર્દિકે બે-બે વિકેટ ઝડપી. હફીઝ (9) અને મલિક શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સરફરાઝ અહમદ (12)ને વિજય શંકરે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


ભારતની ઈનિંગનો રોમાંચ
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સિવાય અન્ય બોલર કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા. ભારત માટે રોહિત શર્મા અને કેએલ રાહુલે રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 136 રન જોડ્યા હતા. આ વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી રહી હતી. આ વિશ્વકપમાં પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હોય. 


રોહિત શર્માએ આક્રમક તો રાહુલે સંભાળીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માએ માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ વિશ્વકપમાં તેની સૌથી ઝડપી અડધી સદી છે. ભારતને પ્રથમ ઝટકો રાહુલના રૂપમાં લાગ્યો હતો. તે 78 બોલ પર 57 રન બનાવી આઉટ થયો હતો. પોતાની ઈનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 


ત્યારબાદ રોહિતને કેપ્ટન વિરાટ કોહલીનો સાથ મળ્યો હતો. બંન્નેએ ઝડપથી રન બનાવ્યા હતા. બંન્નેએ બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. રોહિત શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. પાકિસ્તાન બોલરો પાસે તેનો કોઈ જવાબ નહતો. રોહિત આખરે 140 રન બનાવીને હસન અલીના બોલ પર વહાબ રિયાઝને કેચ આપી બેઠો હતો. રોહિતે શોર્ટ ફાઇન લેગની ઉપરથી સ્કૂપ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. તે પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપમાં સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. 


ત્યારબાદ ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ માત્ર 19 બોલ પર 26 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ઈનિંગમાં લગામ લાગી ગઈ હતી. એમએસ ધોની માત્ર 1 રન બનાવીને આમિરનો શિકાર બન્યો હતો. આ વચ્ચે વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. પરંતુ કોઈ ઓવરનું નુકસાન ન થયું પરંતુ ઈનિંગનો બ્રેક માત્ર 15 મિનિટનો કરી દેવામાં આવ્યો હતો. 


કોહલી પરંતુ વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. તે 77 રન બનાવીને મોહમ્મદ આમિરના બોલ પર પૂલ કરવાના ચક્કરમાં સરફરાઝ અહમદના હાથે કેચઆઉટ થયો હતો. પાકિસ્તાનની અપીલ પર અમ્પાયરે આઉટ નતો આપ્યો પરંતુ કોહલી પોતે બહાર ચાલ્યો ગયો હતો. રીપ્લેમાં દેખાતું હતું કે, બોલ તેના બેટને લાગ્યો નથી. 


પાકિસ્તાને અંતિમ ઓવરોમાં કંજુસ બોલિંગ કરી ભારતને 350ને પાર જતા રોક્યું હતું. અંતિમ પાંચ ઓવરમાં ભારત માત્ર 38 રન બનાવી શક્યું હતું. વિજય શંકર 15 અને કેદાર જાધવ 9 રન બનાવીને નોટ આઉટ રહ્યાં હતા. 


પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 10 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો હસન અલી અને વહાબ રિયાઝને એક-એક સફળતા મળી હતી.


વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને ક્યારે-ક્યારે હરાવ્યું
વિશ્વ કપ 1992: ભારતનો 43 રન વિજય
વિશ્વ કપ 1996: 39 રનથી જીત્યું ભારચ
વિશ્વ કપ 1999: ભારતનો 47 રને વિજય
વિશ્વ કપ 2003: 6 વિકેટથી જીત્યું ભારત
વિશ્વ કપ 2011: ભારતે પાકિસ્તાનને 29 રને હરાવ્યું
વિશ્વ કપ 2015: ભારતે પાકિસ્તાનને 76 રને પરાજય આપ્યો
વિશ્વ કપ 2019ઃ પાકનો 89 રને પરાજય